વેનેઝુએલાના પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ બાદ હવે અમેરિકા અને વેનેઝુએલાના સંબંધોમાં વધુ કડવાશ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના નવા વચગાળાના પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝને લઈને કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો રોડ્રિગ્ઝ અમેરિકાની શરતો સ્વીકારશે નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
અમેરિકન મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે વેનેઝુએલામાં હવે નવી સરકાર માટે અમેરિકા જે યોગ્ય માને છે તે પ્રમાણે કામ કરવું જરૂરી છે. તેમણે મેસેજ આપ્યો કે રોડ્રિગ્ઝ જો અમેરિકાના નિર્દેશોને અવગણશે તો તેની સ્થિતિ માદુરો કરતાં પણ ખરાબ બની શકે છે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
જો કે ટ્રમ્પના નિવેદનોમાં સ્પષ્ટ વિસંગતતા પણ સામે આવી છે. થોડા સમય પહેલા જ તેમણે દાવો કર્યો હતો કે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ડેલ્સી રોડ્રિગ્ઝ વચ્ચે વાતચીત થઈ છે અને રોડ્રિગ્ઝ અમેરિકા સાથે સહયોગ કરવા તૈયાર છે. તે સમયે ટ્રમ્પે જણાવ્યું હતું કે વેનેઝુએલામાં લોકોના જીવનમાં સુધાર માટે રોડ્રિગ્ઝ અમેરિકાની સલાહ માનશે.
પરંતુ બીજી તરફ ડેલ્સી રોડ્રિગ્ઝે આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે અમેરિકાની કાર્યવાહીની કડક ટીકા કરી છે અને નિકોલસ માદુરોને બળજબરીથી દૂર કરવાનું અયોગ્ય ગણાવ્યું છે. રોડ્રિગ્ઝે અમેરિકા પાસે માદુરોને તાત્કાલિક વેનેઝુએલા પરત મોકલવાની માંગ પણ કરી છે.
ટ્રમ્પે અન્ય એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો રોડ્રિગ્ઝ અમેરિકાની વાત માને તો વેનેઝુએલામાં અમેરિકી સૈન્ય હસ્તક્ષેપની જરૂર નહીં પડે. નિષ્ણાતોના મતે અમેરિકા એક તરફ વાતચીતનો માર્ગ ખુલ્લો રાખી રહ્યું છે. તો બીજી તરફ ધમકી અને દબાણ દ્વારા વેનેઝુએલાની નવી સરકારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ સમગ્ર પરિસ્થિતિથી લેટિન અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ચિંતા વધી રહી છે