ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલને લઈને ફેલાયેલી અફવાઓ વચ્ચે રાજ્ય સરકારે કડક પગલું ભર્યું છે. લોકોને વારંવાર સમજાવ્યા છતાં પેનિક બાયિંગ બંધ ન થતા સરકારે હવે સ્પષ્ટ આદેશ કર્યો છે કે પેટ્રોલ અને ડીઝલ માત્ર વાહનોની ટાંકીમાં જ ભરવામાં આવશે. કેન, બેરલ, પીપા અથવા અન્ય કોઈપણ પાત્રમાં ઇંધણ આપવાની મનાઈ કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અફવાઓના કારણે ઉભી થયેલી ગભરાટની સ્થિતિને કાબૂમાં લેવો અને અનાવશ્યક સંગ્રહખોરીને અટકાવવાનો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના પગલે સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ભ્રામક પોસ્ટ્સ વાયરલ થઈ હતી. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઘણા સ્થળોએ લાંબી લાઈનો લાગી ગઈ હતી અને લોકો વાહનો સિવાયના પાત્રોમાં પણ પેટ્રોલ-ડીઝલ ભરાવવા પહોંચ્યા હતા. આ સ્થિતિને કારણે સામાન્ય સપ્લાય વ્યવસ્થા પર દબાણ ઊભું થયું હતું. સરકાર દ્વારા અનેક વખત સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઈનરીઓમાંથી નિયમિત રીતે પેટ્રોલ પંપ પર ઇંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે. છતાં પણ અફવાઓના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સંગ્રહ કરવાની દોડ લાગી હતી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે પેટ્રોલ પંપ પરથી વેચાણ માત્ર વાહનોની ટાંકીઓ પૂરતું જ મર્યાદિત રહેશે. આ સિવાય કોઈપણ પ્રકારના પાત્રમાં ઇંધણ આપવાની પરવાનગી નહીં હોય. સાથે જ સરકારએ ચેતવણી આપી છે કે જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક અથવા વેપારી કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે અથવા સંગ્રહખોરી કરશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી હતી કે તેઓ અફવાઓથી દોરાઈને અનાવશ્યક રીતે લાઈનોમાં ન ઊભા રહે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની કોઈ અછત નથી અને દરેકને પૂરતું ઇંધણ મળી રહ્યું છે તથા આગળ પણ મળતું રહેશે. તેમણે લોકોને શાંતિ જાળવવા અને જવાબદાર નાગરિક તરીકે વર્તવાનો સંદેશ આપ્યો.