National

કિશ્તવાડ બાદ કઠુઆમાં પણ વાદળ ફાટયા, 4ના મોત, 6 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટ્યાની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. અધિકારીઓ મુજબ, કઠુઆના રાજબાગ વિસ્તારની જોડ ખીણમાં વાદળ ફાટવાથી ચાર લોકોના મોત થયા છે જ્યારે છ લોકો ઘાયલ થયા છે.

રાતોરાત પડેલા ભારે વરસાદ બાદ આ ઘટના બની હતી. વાદળ ફાટ્યા પછી ગામ તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે નાશ પામી ગયો છે, જેના કારણે એક દૂરનું ગામ અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક ગુમાવી બેઠું છે. SDRF અને પોલીસની સંયુક્ત ટીમ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

અધિકારીના જણાવ્યાં મુજબ કઠુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બાગર અને ચાંગડા ગામો તેમજ લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દિલવાન-હુટલીમાં ભૂસ્ખલન થયું છે. જોકે, ત્યાંથી કોઈ મોટી જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

ભારે વરસાદને કારણે જિલ્લાનાં અનેક જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધી ગયું છે. ઉઝ નદી ભયજનક સ્તર નજીક પહોંચી રહી છે. જિલ્લા વહીવટીતંત્રે લોકોને સલામતી માટે જળાશયો અને નદીઓથી દૂર રહેવા અપીલ કરી છે.

કેન્દ્રિય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ટ્વિટર દ્વારા ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે લખ્યું કે જાંગલોટ વિસ્તારમાં વાદળ ફાટ્યાની જાણ થતાં કઠુઆના એસએસપી સાથે વાત કરી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને રેલ્વે ટ્રેક તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું છે. કઠુઆ પોલીસ સ્ટેશનને પણ અસર પહોંચી છે. તેમણે જણાવ્યું કે નાગરિક વહીવટ, સેના અને અર્ધલશ્કરી દળો રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

તેમજ ડૉ. સિંહે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સારવાર પૂરી પાડવા માટે વહીવટી તંત્રને સૂચના આપી છે.

Most Popular

To Top