ઈરાનમાં સત્તાના શિખરે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. અયાતુલ્લા અલી ખામેનાઈના નિધન બાદ તેમના પુત્ર મુજતબા ખામેનાઈને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઈરાની સરકારી ટીવીએ સોમવારે વહેલી સવારે આ જાહેરાત કરી હતી. અયાતુલ્લા અલી ખામેનાઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં મૃત્યુ થયું હતું. તેઓ લગભગ 35 વર્ષથી ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે સત્તા પર હતા. 1989માં અયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈનીના નિધન બાદ ખામેનાઈએ આ પદ સંભાળ્યું હતું. 1979ની ઈસ્લામિક ક્રાંતિ દરમિયાન, જ્યારે શાહ મોહમ્મદ રઝા પહલવીને હટાવવામાં આવ્યા, ત્યારે ખામેનાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ 1981માં તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા અને લગભગ 8 વર્ષ સુધી આ પદ પર રહ્યા.
ઈરાનના ઈસ્લામિક કાયદા મુજબ સુપ્રીમ લીડર બનવા માટે અયાતુલ્લા પદવી ધરાવવી જરૂરી છે, એટલે આ પદ ધાર્મિક નેતાને જ આપવામાં આવે છે. લાંબા સમયથી મુજતબા ખામેનાઈને આ પદના સંભવિત દાવેદારોમાંના એક તરીકે જોવામાં આવતા હતા, જોકે તેમણે કોઈ ચૂંટાયેલું કે સત્તાવાર સરકારી પદ સંભાળ્યું નથી. મુજતબા ખામેનાઈની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે તેમના પિતાના મોત બાદ મધ્યપૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નિવેદન આપ્યું હતું કે ઈરાન તેમની મંજૂરી વિના નવો સુપ્રીમ લીડર ન પસંદ કરે. બીજી તરફ ઈઝરાયલે ખામેનાઈના સંભવિત ઉત્તરાધિકારીને પણ નિશાન બનાવવાની ચેતવણી આપી હતી.