NEWSFLASH

જૈશ-એ-મોહમ્મદ પછી, લશ્કર કમાન્ડરે ઓપરેશન સિંદૂર પર મોટો ખુલાસો કર્યો, જુઓ વિડિયો..

ભારતીય સશસ્ત્ર દળોએ તા.7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને “ઓપરેશન સિંદૂર” ચલાવ્યો હતો. આ અભિયાન દરમિયાન નવથી વધુ આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતે આ કાર્યવાહી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરી હતી.

આ ઓપરેશન બાદ પાકિસ્તાન સતત દાવો કરતું આવ્યું છે કે ભારતીય સેનાએ કોઈ ખાસ નુકસાન પહોંચાડ્યું નથી. જોકે હકીકતો ધીમે ધીમે બહાર આવી રહી છે. થોડા દિવસો પહેલા જૈશ-એ-મોહમ્મદ (JeM)ના એક કમાન્ડરે પાકિસ્તાન સરકારના ખોટા દાવાને પર્દાફાશ કર્યો હતો. હવે લશ્કર-એ-તૈયબાના એક કમાન્ડર કાસિમનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે ઓપરેશન સિંદૂરના વિનાશની કબૂલાત કરી છે.

વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાસિમ નામનો વ્યક્તિ મુરીદકેમાં મરકઝ તૈયબાના ખંડેર પર ઊભો જોવા મળે છે. તે સ્વીકારી રહ્યો છે કે ભારતીય વાયુસેનાના હુમલામાં લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક સંપૂર્ણ રીતે નષ્ટ થયું હતું. સાથે જ તે જણાવી રહ્યો છે કે હવે આ કેમ્પનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે અને આ વખતે તે પહેલાં કરતા વધુ વિશાળ અને શક્તિશાળી બનશે.

મુરીદકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખુપુરા જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર છે. જ્યાં લશ્કર-એ-તૈયબાનું મથક સ્થિત હતું. ઓપરેશન સિંદૂર દરમ્યાન અહીંના મરકઝ તૈયબા સહિત અનેક ઠેકાણાઓ ખંડેરમાં ફેરવાઈ ગયા હતા.

પાકિસ્તાન સરકાર ભલે દાવો કરે કે હવે આ ઇમારતોનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નહીં થાય પરંતુ કમાન્ડરોના ખુલાસાઓ એ દાવાઓને ખોટા ઠેરવી રહ્યા છે.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ માત્ર મુરીદકે જ નહીં પરંતુ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પો, સિયાલકોટમાં હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણાઓ અને બર્નાલા તથા મુઝફ્ફરાબાદમાં લશ્કર-એ-તૈયબાના અન્ય ઠેકાણાઓનો પણ નાશ કર્યો હતો. આ કાર્યવાહી આતંકવાદી સંગઠનોની હિંસક પ્રવૃત્તિઓની “કમર તોડ” સાબિત થઈ હતી.

હકીકતમાં પાકિસ્તાનની નીતિ હંમેશાં દાવો અને હકીકતમાં ભેદ દર્શાવતી રહી છે. દુનિયા સામે પાકિસ્તાન આતંકવાદ વિરોધી અભિગમ બતાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ આંતરિક સ્તરે તે સંગઠનોને આશરો આપે છે. તાજેતરના વીડિયોએ ફરી સાબિત કર્યું છે કે પાકિસ્તાનના દાવા વિશ્વાસપાત્ર નથી.

અંતે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ કરેલા વિનાશને હવે આતંકવાદી કમાન્ડરો ખુદ સ્વીકારી રહ્યા છે. આ કબૂલાતો માત્ર ભારતના દાવાને મજબૂત બનાવે છે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની દંભી નીતિને ઉજાગર કરે છે.

Most Popular

To Top