Editorial

ગુલાબ પછી હવે શાહિન વાવાઝોડા પ્રત્યે સરકાર ગંભીરતા દાખવે તે જરૂરી

ગુજરાતમાં ભૂતકાળમાં કેટલાક વાવાઝોડાએ ભારે અસર જરૂર કરી છે પરંતુ ગુજરાત અને વાવાઝોડાને આમ સંબંધ ઓછો છે. વાવાઝોડા દ્વારા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરલ સહિતના રાજ્યોમાં વધારે અસર કરવામાં આવતી હતી પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી અરબ સાગરમાં ઊભા થતાં વાવાઝોડાને કારણે ગુજરાતે મોટી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં વાવાઝોડાએ આખા ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્રને ધ્રુજાવી નાખ્યું હતું. આ વાવાઝોડાને કારણે થયેલી વિનાશક અસરોના અવશેષો હજુ પણ સૌરાષ્ટ્રના ગામડાઓમાં જોવા મળી રહ્યા છે. હાલમાં ચોમાસું છે ત્યારે પહેલા ગુલાબ અને હવે નવા બની રહેલા શાહિન વાવાઝોડાને કારણે ફરી ગુજરાતની ઉપર વિનાશકતાનો ખતરો મંડરાયેલો છે. તંત્ર દ્વારા આગામી ત્રણ દિવસમાં 60થી 150 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જણાવાઈ છે.

શાહિન વાવાઝોડું હજુ બન્યું નથી પરંતુ દરિયામાં તે બની જાય તેવી શક્યતા છે. ગુલાબ વાવાઝોડાની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ ગયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ રહ્યો છે. શાહિન વાવાઝોડાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધવાની સંભાવના છે. સાથે સાથે વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં  ભારેથી અતિભારે વરસાદ પડશે. વરસાદની આગાહીને કારણે ગુજરાતમાં આપત્તિ વ્યવસ્થાપન તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. 29મી તારીખે રાજ્યના જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, કચ્છ અને દીવમાં હળવાથી ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ભરુચમાં પણ 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.

હવામાનના જાણકારોના મતે 30મી સપ્ટેમ્બરના રોજ ગુલાબ વાવાઝોડું શાહિનમાં પરિવર્તિત થઈ જશે અને ત્યાંથી કચ્છના અખાતમાંથી પાકિસ્તાનના માકરન કોસ્ટ સુધી પહોંચશે. શાહિન વાવાઝોડું બની જતાં દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર પણ જોવા મળશે. વાવાઝોડાની અસરને કારણે રાજ્યમાં એનડીઆરએફની 17 અને એસડીઆરએફની 8 ટીમને તૈનાત પણ કરી દેવામાં આવી છે. જે રીતે શાહિન વાવાઝોડું આકાર લઈ રહ્યું છે તે જોતાં ગુજરાતે આગામી બે દિવસ સાચવવાનું રહેશે. વાવાઝોડાની અસરને કારણે આખા ગુજરાતમાં બેફામ વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે તંત્ર દ્વારા દરિયાકિનારા પર નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. સાથે સાથે માછીમારોને પણ દરિયામાં નહીં જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

શાહિન વાવાઝોડાની અસર બે દિવસ સુધી રહેવાની સંભાવના છે. ગુજરાતમાં નવી સરકાર છે અને નવી સરકારે આ નવી આફત સામે ઝઝુમવાનું છે. અગાઉ વાવાઝોડાએ વેરેલા વિનાશની કળ હજુ પણ વળી નથી. ઉપરથી નવા વાવાઝોડાને કારણે થનારો વિનાશ ગુજરાતની પ્રગતિમાં ભારે અવરોધક બનશે. વાવાઝોડાની સ્થિતિને જોઈને રાજ્ય સરકારે પણ અનેક આગોતરા પગલાઓ લેવાની જરૂરીયાત છે. હજુ સુધી સરકારે વાવાઝોડાની અસરોને ગંભીરતાથી લીધી લાગતી નથી. સરકારના સ્તરે હજુ સુધી કામગીરીની જાહેરાત કરવામાં આવી નથી. રાજ્યમાં અનેક ડેમ છલકાઈ રહ્યા છે અને પાણી છોડવાની ફરજ પડી રહી છે. સરકાર આગામી દિવસોમાં જન આશિર્વાદ યાત્રા કાઢી રહી છે ત્યારે જો વાવાઝોડામાં જનતાને રાહત કરવામાં નહીં આવે તો સરકારની જન આશિર્વાદ યાત્રા જનશ્રાપ યાત્રા બની જાય તેવી સ્થિતિ છે.

Most Popular

To Top