National

દિલ્હીની શાળાઓ બાદ હોસ્પિટલોને બોમ્બની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) ફરી એકવાર બોમ્બની (Bomb Blast) ધમકી મળી છે. આ વખતે દિલ્હીમાં શાળાઓ પછી, હોસ્પિટલોને ફરીથી બોમ્બની ધમકી મળી હતી. તેમજ વિવિધ હોસ્પિટલોને (Hospital) ઈમેલ (Email) દ્વારા બોમ્બની ધમકી મળી હતી. અગાવ દિલ્હીમાં શાળાઓ, હોસ્પિટલો, એરપોર્ટ અને ઉત્તર રેલવેની CPRO બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બોમ્બના સમાચારથી દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ખળભળાટ મચી ગયો હતો. રાજધાની દિલ્હીની હોસ્પિટલોને 33 કલાક અને 15 મિનિટ પછી બીજી વખત મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. રવિવારે બપોરે 3:04 કલાકે પહેલી વાર આ મેઇલ મળ્યો હતો. ત્યાર બાદ સોમવારે મોડી રાત્રે 12.19 કલાકે બીજી વખત મેલ મળ્યો હતો. આ હોસ્પિટલોમાં જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ (જનકપુરી)નો સમાવેશ થાય છે.

આ હોસ્પિટલોને બોમ્બની ધમકીઓ મળી હતી
દિલ્હી ફાયર વિભાગે સમગ્ર મામલે કહ્યું હતું કે ધમકી ભર્યા ઇમેલ મળતા જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ દિલ્હીની દીપ ચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને અન્ય સહિત કેટલીક હોસ્પિટલોને બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા હતા.

દિલ્હી પોલીસે આ માહિતી આપી
સમગ્ર મામલે દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે બપોરે લગભગ 3.04 કલાકે દિલ્હીની 20 હોસ્પિટલો અને ઉત્તર રેલવેના IGI અને CPRO ઓફિસમાં બોમ્બનો ઈમેલ મળ્યો હતો. આ ઇમેઇલ courtgroup03@beeble.com પરથી મોકલવામાં આવ્યો હતો. તેમજ શરૂઆતમાં સંજય ગાંધી હોસ્પિટલ અને બુરારી સરકારી હોસ્પિટલ પ્રશાસને ઈમેલ જોઈને પોલીસને જાણ કરી હતી.

અગાવ બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલમાં પણ ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. જે બાદ બંને હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હોસ્પિટલોને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ, ફાયર વિભાગ અને નાગરિક એજન્સીઓ બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ હતી. જોકે, હોસ્પિટલના પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

આ પહેલા શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ આવ્યો હતો. જોકે, કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી ન હતી. ધમકી મળતા જ સુરક્ષા દળોની મદદથી તમામ શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી અને બાળકોને તેમના ઘરે પરત મોકલી આપવામાં આવ્યા હતા.

આ પછી, મેઇલિંગ એડ્રેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની વિશેષ ટીમે ઇન્ટરપોલની મદદથી રશિયાનો સંપર્ક કર્યો હતો અને મેલ મોકલનાર વિશે માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. કારણ કે જે આઇડી પરથી ધમકી મળી હતી તેનું સર્વર રશિયાની રાજધાની મોસ્કોમાં મળ્યું હતું. જો કે હજુ સુધી મેઈલ મોકલનારનો કોઈ પત્તો લાગ્યો નથી.

Most Popular

To Top