National

દિલ્હી બાદ હવે મુંબઈની હવા ઝેરી બની, AQI ઘાતક સ્તરે પહોંચતા GRAP-4 લાગુ કરાયો

દિલ્હી પછી હવે દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ ગંભીર વાયુ પ્રદૂષણના સંકટનો સામનો કરી રહી છે. લાંબા સમયથી ‘સેફ ઝોન’માં ગણાતું મુંબઈ હવે પ્રદૂષણની સમસ્યામાં દિલ્હીની સરખામણીમાં આવી ગયું છે. વધતા AQIને કારણે શહેરની હવા ‘ખરાબ’થી ‘અત્યંત ખરાબ’ કેટેગરીમાં પહોંચી ગઈ છે. સ્થિતિ ગંભીર બનતા શહેરમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો સૌથી કડક તબક્કો GRAP-4 અમલમાં મૂકવામાં આવ્યો છે.

મુંબઈના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક
મઝગાંવ, દેવનાર, મલાડ, બોરીવલી ઈસ્ટ, પોવઈ, મુલુંડ, નેવી નગર અને અંધેરી ચકાલા જેવા વિસ્તારોમાં AQI સતત ખતરનાક સ્તરને સ્પર્શી રહ્યો છે. દરિયાઈ પવનને કારણે સામાન્ય રીતે મુંબઈનું AQI ઓછું રહે છે પરંતુ આ વર્ષે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. GRAP-4 લાગુ કર્યા પછી પણ મુંબઈનો કુલ AQI 187 નોંધાયો. જે હજી પણ ‘અનહેલ્ધી’ શ્રેણીમાં છે.

BMCનું એક્શન મોડ શરૂ
પ્રદૂષણ ઘટાડવા માટે BMC સંપૂર્ણ એક્શન મોડમાં છે. GRAP-4 મુજબ:

  • શહેરના તમામ બાંધકામ અને ખોદકામના કામ પર તરત જ પ્રતિબંધ લગાવાયો
  • લગભગ 50 બાંધકામ સાઇટ્સને નોટિસ અપાઈ
  • ધૂળ ઉડે તેવો કોઈપણ કાર્ય સંપૂર્ણ બંધ
  • ફ્લાઈંગ સ્ક્વોડ વડે તમામ વોર્ડમાં દૈનિક દેખરેખ

આ ઉપરાંત લઘુ ઉદ્યોગો ખાસ કરીને બેકરી, માર્બલ કટિંગ અને નાના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને પણ ધૂળ નિયંત્રણ માટે સખ્ત સૂચનાઓ આપવામાં આવી છે.

નિયમોનો ભંગ થાય તો શખ્ત કાર્યવાહી
BMCએ દરેક વોર્ડમાં ટીમોને સક્રિય કરી છે જે નિયમોનું પાલન ન કરતા ઉદ્યોગો, સાઇટ્સ અને વેપારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરશે. ધૂળને દબાવી રાખવા માટે પાણીનો સ્પ્રે અને એન્ટી-સ્મોગ ગન્સનો ઉપયોગ વધારવામાં આવ્યો છે.

ભારતના ત્રણ શહેર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ
મુંબઈનો AQI 187 અને બેંગલુરુનો AQI 118 છે. જ્યારે કોલકાતામાં AQI 236 સુધી પહોંચી ગયો છે. તાજેતરના વૈશ્વિક સર્વે મુજબ વિશ્વના ટોચના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ત્રણ શહેર ભારતના છે. આ પરિસ્થિતિ દેશ માટે પર્યાવરણીય સંકટની સ્પષ્ટ ચેતવણી સમાન છે.

Most Popular

To Top