Editorial

ચીન પછી હવે જાપાન પર પણ કોરોનાનું સંકટ ઘેરાયું, ભારતે સાવચેતી રાખવી પડશે

જાપાનમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. ત્યાં આવનારા દિવસોમાં હાલત વધુ ગંભીર અને કફોડી થાય તેમ લાગી રહ્યું છે. એક રીપોર્ટના અનુસાર ઓમિક્રોન વેરિએન્ટના લીધે બાળકોના મૃત્યુ આંકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
ચીન બાદ વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનોએ ફરી માથું ઊંચક્યું છે. ચીન બાદ દક્ષિણ કોરિયા, જાપાન, અમેરિકા અને બ્રાઝીલ આ દેશો કોરોનાના નવા વેરિએન્ટના સકંજામાં છે. WHOની કોવિડ-19 રિસ્પોન્સ ટીમના એક્સપર્ટે દાવો કર્યો છે કે વિશ્વભરમાં દર અઠવાડિયે કોરોનાના લીધે 8 થી 10 હજાર લોકોના મૃત્યું થઇ રહ્યાં છે.

એક રીપોર્ટ અનુસાર ચીન બાદ કોરોનાની સૌથી વધુ ખરાબ અસર જાપાનમાં જોવા મળી રહી છે. કોરોના વર્લ્ડ મીટરના આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં 1 લાખ 73 હજાર નવા કેસો જાપાનમાં નોંધાયા છે, જેમાંથી લગભગ 315 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ 25 ઓગસ્ટ પછી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં કોરોનાના લીધે મોત થઈ હોય તેવું સામે આવ્યું છે. જાપાન ટાઈમ્સના રીપોર્ટ મુજબ જાપાનમાં આ કોરોનાની 8 મી લહેર છે અને આવનારા દિવસોમાં ત્યાં પરિસ્થિતિ વધુ ગંભીર અને કફોડી થઇ શકે તેમ છે. સાથે જ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોન વેરિએન્ટની સૌથી વધુ અસર બાળકો પર જોવા મળી રહી છે અને બાળકોના મૃત્યુ પણ વધારે થઈ રહ્યા છે. ચીનમાં બગડતી જતી હાલતને ધ્યાનમાં રાખીને જાપાનની ચિંતામાં પણ વધારો થયો છે.

જાપાનના એક મીડિયા રીપોર્ટ અનુસાર એક અઠવાડિયા પહેલા ગયા બુધવારે લગભગ 16 હજાર નવા કેસ નોંધાયા હતા. સાથે જ પાછળ 24 કલાકમાં જાપાનની રાજધાની ટોક્યોમાં કોરોનાના 21,186 નવા કેસ નોંધાયા છે. હાલની સ્થિતિ જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે વધારો જોવા મળશે. જાપાનની રાજધાનીમાં કોરોનાના લીધે 20 લોકોના મોત થયા છે. ચીનમાં ઓમિક્રોનના નવા વેરિએન્ટ BF.7ને લઈને તજજ્ઞોનું કહેવું છે કે આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક અને શક્તિશાળી વેરિએન્ટ છે. એક્સપર્ટના મતે આના ઉપર હાલ કોઈ એન્ટીબોડીની અસર પણ નિષ્ફળ રહેશે.

ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્ર્વારે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા હાલ 3397 છે. ભારતમાં રીકવરી રેટ 98.8 % છે. અત્યાર સુધી દેશમાં કુલ 90.97 કરોડ સેમ્પલનો કોરોના ટેસ્ટ થઇ ચુક્યો છે.
હાલની કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકારે પણ કોરોનાની ગાઈડલાઈન અમલમાં મૂકી છે. જાપાનમાં વધી રહેલા કેસના કારણે હવે ભારતે પણ સાવચેતી રાખવી પડશે અને અત્યારથી જ તકેદારીના પગલાં લેવા શરૂ કરી દેવા પડશે.

Most Popular

To Top