2006ના મુંબઈ શ્રેણીબદ્ધ ટ્રેન બ્લાસ્ટે આખા દેશમાં હાહાકાર મચાવ્યો હતો. આ ઘટનામાં 187 લોકોના મોત થયા હતા. જ્યારે 600થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસની તપાસમાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ 13 લોકોને ધરપકડ કરી હતી. જેમાંથી એક હતા ડો.વાહિદ દિન મોહમ્મદ શેખ. તેઓ પર મકોકા (MCOCA) હેઠળ ગુનો નોંધાયો અને તેમને 9 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ 2015માં વિશેષ અદાલતે તેમને નિર્દોષ જાહેર કર્યા. હવે 46 વર્ષીય ડો. શેખે પોતાની ખોટી કેદ અને પીડા માટે 9 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી છે.
9 વર્ષ કેદ પછી નિર્દોષ
ડો.વાહિદ શેખ એક શાળા શિક્ષક છે. તેમણે કહ્યું કે ATS દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા બાદ તેમના જીવનના સૌથી કિંમતી નવ વર્ષ જેલમાં વીતી ગયા. તા.11 સપ્ટેમ્બર 2015ના રોજ વિશેષ ન્યાયાધીશ યતીન ડી. શિંદેએ તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ આ નવ વર્ષ દરમિયાન તેમણે પોતાની યુવાની, સ્વતંત્રતા અને માન ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે તેમની ધરપકડ દરમિયાન તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
સામાજિક અને આર્થિક નુકસાન
ડો. શેખે કહ્યું કે તેઓ પરિવારના એકમાત્ર કમાવનાર હતા. તેમની ગેરહાજરીમાં તેમના પરિવારને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સારવાર અને રહેવાના ખર્ચ માટે તેઓએ લગભગ 30 લાખ રૂપિયાનું દેવું લીધું હતું. સાથે-સાથે પરિવારને સામાજિક રીતે તિરસ્કાર અને ભાવનાત્મક પીડાનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ભાર મૂકીને કહ્યું કે પૈસા તેમની ગુમાવેલી યુવાની અને માન પાછા નહીં લાવી શકે પરંતુ આ વળતર ન્યાયનું પ્રતિક હશે.
ન્યાય માટેની લડત
શેખે કહ્યું કે તેમણે નૈતિક કારણોસર 10 વર્ષ સુધી વળતરની માંગણી કરી ન હતી. હવે તેઓ માત્ર ન્યાય માટે આગળ આવ્યા છે. તેઓએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચ અને રાષ્ટ્રીય લઘુમતી આયોગ પાસે 9 કરોડ રૂપિયાની ભરપાઈ માંગણી કરી છે.
તેમણે આટલા વર્ષ વળતર કેમ ન માગ્યું !
તેમણે અગાઉ વળતર કેમ ન માંગ્યું તે સમજાવતા કહ્યું હતું કે ‘નૈતિક કારણ એ હતું કે મારા સહ-આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને મૃત્યુદંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તેઓ હજુ પણ જેલના સળિયા પાછળ હતા ત્યારે વળતર માંગવું મારા માટે સુખદ નહોતું અને મને ડર હતો કે રાજ્ય તેમના પ્રત્યે વધુ ક્રૂર બનશે અને મારા વળતરના દાવા માટે બદલો લેશે.
મેં મારા બધા સહ-આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે અને નિર્દોષ સાબિત થાય ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું હતું. જ્યારે આ વર્ષે જુલાઇ મહિનામાં બધાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે એ સ્પષ્ટ થયું કે આ આખો કેસ છેતરપિંડીનો હતો. અને તેથી હું હવે વળતર માટેની મારી માંગણી કરી રહ્યો છું. હું માનું છું કે મારા માટે આ ન્યાય માંગવો સંપૂર્ણપણે વાજબી છે.