ઈરાનના રઝા શાહ પહલવી તહેરાનમાં સીઆઈએના એજન્ટ કર્મિટ રુઝવેલ્ટની મહેરબાનીથી ઈરાનની ગાદી પર બેઠા હતા. પહલવીના પિતાએ વર્ષ 1925માં એક વિદ્રોહ પછી સત્તા આંચકી લીધી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ નાઝી જર્મની તરફ ખુલ્લેઆમ ઝુકવા લાગ્યા, ત્યારે બ્રિટન અને સોવિયેત સંઘે તેમને સત્તા પરથી હટાવી દીધા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાન પર મિત્રદેશોનું નિયંત્રણ હતું. તેમણે હિટલર વિરુદ્ધ યુદ્ધમાં ઈરાનની ઑઇલ સંપત્તિનો ઉપયોગ કર્યો હતો. યુવાન પહલવીને તેમના પિતાની ગાદી આપવામાં આવી જેથી દુનિયાને દેખાડી શકાય કે ઈરાન એક સ્વતંત્ર દેશ છે.
સ્વિટ્ઝરલેન્ડમાં શિક્ષિત રઝા શાહ પહલવી એક અમીર પ્લેબૉય તરીકે પોતાનો સમય વીતાવતા હતા. તેમને સત્તા આપવાનું મુખ્ય કારણ એ હતું કે પશ્ચિમી દેશોને ઈરાનનું તેલ મેળવવાની લાલચ હતી. નામ માત્રના સત્તાધીશ હોવા છતાં શાહે પ્રસ્તાવ મૂક્યો કે તેલના વેચાણમાંથી મળતો અડધો નફો ઈરાન પોતાની પાસે રાખશે જેથી તેમનો દેશ સમૃદ્ધ બની શકે અને સંભવિત રાજકીય આંદોલનો માટે વાતાવરણ ન સર્જાય. પરંતુ શક્તિશાળી ઍંગ્લો-ઇરાની ઑઇલ કંપનીએ આ પ્રસ્તાવ નકારી કાઢ્યો. ત્યાર બાદ ઈરાનના નારાજ લોકો એક લોકપ્રિય નેતા મોહમ્મદ મોસદ્દેકને ટેકો આપવા લાગ્યા. મોસદ્દેક એ પરિવારથી આવતા હતા જેમણે પહલવી પરિવાર સત્તા પર આવ્યો તેનાથી લગભગ 200 વર્ષ અગાઉ ઈરાન પર શાસન કર્યું હતું.
સીઆઈએના એજન્ટ રુઝવેલ્ટે મોસદ્દેક વિરુદ્ધ ઈરાનના પ્રેસમાં ખોટા અહેવાલો છપાવ્યા અને રસ્તા પર પ્રદર્શનો આયોજિત કર્યાં. તેના આધારે સૈન્ય અધિકારીઓએ દેશદ્રોહના ખોટા આરોપો હેઠળ મોસદ્દેકની ધરપકડ કરી. ત્રણ વર્ષ સુધી જેલમાં રાખ્યા પછી તેમને તેમના ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા જ્યાં 1967માં તેમનું મૃત્યુ થયું. સેનાના વિદ્રોહ પછી શાહ પોતાનાં પત્ની સાથે ભાગીને રોમ જતાં રહ્યાં. બધું સામાન્ય થયું ત્યારે શાહે પરત આવીને રાજગાદી સંભાળી હતી. ખુમૈની જ્યારે તહેરાન પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે લાખો લોકો ઍરપૉર્ટ પર હાજર હતા. ઈરાન રાજાશાહીની જગ્યાએ હવે ઇસ્લામી રિપબ્લિક બની ગયું હતું. ખુમૈનીને સુપ્રીમ લીડરનો હોદ્દો આપવામાં આવ્યો અને તેમણે ઇસ્લામી નિયમો પ્રમાણે ઈરાનમાં શાસન શરૂ કરી દીધું. ખુમૈનીએ અમેરિકાને ‘મોટો શેતાન’ ગણાવીને તેની ટીકા કરી અને ઇઝરાયલને પેલેસ્ટાઇનની ભૂમિ પર ગેરકાયદે કબજે કરનાર ગણાવ્યો.
ખુમૈનીએ સુપ્રીમ લીડર તરીકે કાર્યભાર સંભાળ્યાના કેટલાક દિવસોમાં જ તેમના વિદ્યાર્થી ટેકેદારોએ તહેરાનમાં અમેરિકન દૂતાવાસ પર કબ્જો કરીને 66 અમેરિકનોને બંધક બનાવી લીધા હતા. તેમણે માંગણી કરી કે અમેરિકામાં કૅન્સરની સારવાર કરાવતા શાહને ઈરાન મોકલવામાં આવે જેથી તેમને તેમના ‘ગુનાઓની સજા’ આપી શકાય. અમેરિકા અને ઇઝરાયલની દુશ્મની એ ઈરાનની વિદેશનીતિનો એક મહત્ત્વનો હિસ્સો બની ગઈ. 1979ની ઇસ્લામિક ક્રાંતિને હજુ થોડો સમય થયો હતો ત્યાં સદ્દામ હુસેનના નેતૃત્વ હેઠળ ઇરાકે ઈરાન પર હુમલો કરી દીધો.
આ યુદ્ધ લગભગ નવ વર્ષ ચાલ્યું. થોડા જ સમયમાં ખુમૈની પ્રત્યે લોકોનો મોહભંગ થઈ ગયો. ખુમૈનીની ઉંમર વધવાની સાથે તેમના વારસદારના નામની વિચારણા થવા લાગી. ખુમૈનીએ આના માટે ઇસ્લામિક ક્રાંતિના એક મોટા સમર્થક અને પોતાના અનુયાયી આયાતુલ્લાહ મોહમ્મદ મોંતઝરીનું નામ પસંદ કર્યું. ખુમૈનીને તેમના ધાર્મિક જ્ઞાન વિશે બહુ ઊંચો અભિપ્રાય હતો, પરંતુ દેશના સંરક્ષક તરીકે તેમની યોગ્યતા પર તેમને સંદેહ થવા લાગ્યો. માર્ચ, 1989માં ખુમૈનીએ મોંતઝરીને અનેક પાનાનો લાંબો પત્ર લખ્યો જેમાં તેમના પર આરોપ લગાવ્યો કે તેઓ ઈરાનના લોકોને ઉદારવાદીઓના હાથમાં સોંપી રહ્યા છે. મોંતઝરીએ આ લાંબા પત્રનો જવાબ પાંચ લીટીમાં આપીને જાહેરાત કરી કે તેઓ ખુમૈનીના ઉત્તરાધિકારીની દોડમાંથી બહાર નીકળી રહ્યા છે. તેઓ અગાઉ પણ આ પદ મેળવવાના ઇચ્છુક ન હતા. ત્યાર પછી ખુમૈનીએ પોતાના વારસદાર તરીકે તત્કાલીન રાષ્ટ્રપતિ અલી ખામેનેઈને પસંદ કર્યા.
ઈરાનની ધાર્મિક સત્તાના મામલે ખામેનેઈનો હોદ્દો બહુ જુનિયર જેવો હતો. તેઓ એટલો અનુભવ પણ ધરાવતા ન હતા કે ટોચના ધાર્મિક પદ માટે લાયક ગણવામાં આવે.પોતાની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખીને ખુમૈનીએ સંસદની ખાસ બેઠક બોલાવી જેમાં બંધારણમાં સુધારો કરાયો. જેથી ખામેનેઈને ખુમૈનીના વારસદાર બનાવવાનો રસ્તો સાફ થયો. જોકે, તેનાથી પહેલાં જ ખુમૈનીએ નિશ્ચિત કરી દીધું કે તેમના મોત પછી પણ ઈરાન પોતાનો અણુ કાર્યક્રમ ચાલુ રાખશે અને પશ્ચિમ સાથે તેની ટકરાવની નીતિ પણ ચાલુ રહેશે.