Sports

વિશ્વનાથન આનંદ બાદ ડી. ગુકેશે રચ્યો ઇતિહાસ, કેન્ડિડેટ્સ ચેસ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો

નવી દિલ્હી: ભારતના 17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે (Grandmaster D. Gukesh) કેન્ડીડેટ્સ ચેસ (Candidates Chess) ટૂર્નામેન્ટ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટ જીતનાર વિશ્વનાથન આનંદ (Viswanathan Anand) પછી તે બીજો ભારતીય ખેલાડી બન્યો છે એટલું જ નહીં, તે આ ટુર્નામેન્ટ (Tournament) જીતનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી પણ છે.

સામાન્યત: આ ટુર્નામેન્ટનું આયોજન વર્તમાન વિશ્વ ચેમ્પિયનને પડકાર ફેંકનાર ખેલાડીની પસંદગી કરવા માટે કરવામાં આવે છે. હવે આ ટુર્નામેન્ટ જીનીને ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનના ખેલાડી ડીંગ લિરેન સાથે રમશે. ગુકેશ કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં 14 માંથી 9 પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યો હતો, અમેરિકન ખેલાડી હિકારુ નાકામુરા સામેની તેની અંતિમ રાઉન્ડની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

ગેરી કાસ્પારોવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
આ ટૂર્નામેન્ટ જીતવાની સાથે જ ચેન્નાઈના 17 વર્ષીય ડી ગુકેશે ચેસના દિગ્ગજ ખેલાડી ગેરી કાસ્પારોવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. કાસ્પારોવે 22 વર્ષની ઉંમરે તત્કાલિન વિશ્વ ચેમ્પિયનને પડકાર ફેંક્યો હતો. તેમજ જીત મેળવી હતી. આ મેચમાં ડી ગુકેશ અને અમેરિકન ખેલાડી બંને ડ્રો માટે સંમત થયા બાદ મેચ 109 ચાલ સુધી ચાલી હતી. જો આપણે આ ટૂર્નામેન્ટમાં ડી ગુકેશના પ્રદર્શન પર નજર કરીએ તો, તેણે ટુર્નામેન્ટમાં 5 મેચ જીતી હતી, તેમજ ગુકેશને ફ્રાન્સની અલીરેઝા ફિરોઝા સામે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

વિશ્વનાથન આનંદે, ડી ગુકેશની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી
ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે ડી ગુકેશને કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા અને X પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. વિશ્વનાથન આનંદે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ડી ગુકેશને સૌથી યુવા ચેલેન્જર બનવા બદલ અભિનંદન. તમે જે કર્યું છે તેના પર પરિવારને ખૂબ ગર્વ છે. તમે જે રીતે રમ્યા અને મુશ્કેલ પરિસ્થિતિઓને હેન્ડલ કરી તેના પર મને અંગત રીતે ખૂબ ગર્વ છે. આ ક્ષણ તમારી છે અને તેનો આનંદ માણો.’ જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટ જીતવા બદલ ડી ગુકેશને લગભગ 80 લાખ રૂપિયાની ઈનામી રકમ પણ મળી છે.

ગુકેશનો જન્મ 29 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેમજ અંડર-9 સ્તરે એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ જીત્યા બાદ તે 2015માં ચર્ચામાં આવ્યો હતો. ગુકેશે વર્ષ 2018ની ચેસ ટતર્બનામેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેણે એશિયન યુથ ચેસ ચેમ્પિયનશિપમાં કુલ પાંચ ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમજ ગુકેશ જાન્યુઆરી 2019માં ગ્રાન્ડમાસ્ટર બન્યો હતો. ત્યારે તેની ઉંમર 12 વર્ષ 7 મહિના અને 17 દિવસની હતી.

Most Popular

To Top