સુરત શહેરમાં 21 વર્ષ જૂનો હથિયારબાજી અને મારામારીનો કેસ અંતે ઉકેલાયો છે. વર્ષ 2005માં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા બે ખૂંખાર આરોપીઓને સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યાં છે.ગુનો આચરીને ફરાર થયેલા સંતોષ રાજબહાદુર યાદવ અને સંતોષ ઉર્ફે શિયુ યાદવ વર્ષો સુધી પોલીસની પકડથી દૂર રહ્યા હતા.
ઘટનાના સમયે બન્ને આરોપીઓ વિનોબા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા,પરંતુ મહાનગરપાલિકાના ડિમોલિશન પછી આ વિસ્તારનું અસ્તિત્વ જ મટી ગયું હતું.જેના કારણે આરોપીઓના મૂળ વતન ,સંબંધીઓ કે ઓળખ અંગે પોલીસ પાસે કોઈ ચોક્કસ માહિતી નહોતી. કેસ જાણે ફાઈલોમાં દટાઈ ગયો હોય તેમ લાગતું હતું.પરંતુ SOG એ હાર માન્યા વગર ઝૂંપડપટ્ટીમાં રહેતા 200થી વધુ લોકોનો સંપર્ક કર્યો.સરકારી આવાસોમાં સ્થળાંતર કરાયેલા પૂર્વ રહેવાસીઓ સાથે વર્ષભર સતત પૂછપરછ કરી જૂની યાદો તાજી કરાવવામાં આવી.અંતે એક મહત્વની કડી મળી બન્ને ભાઈઓ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું જે બાદ માહિતી મળતાં જ પોલીસ ની ટીમ જોનપુર પહોંચી, પરંતુ ત્યાંથી પણ તેઓ વર્ષો પહેલા સ્થળાંતર કરી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું.ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે અંતે પ્રયાગરાજના અત્તરસુઇયા ચૌરાહા નજીક તેમનું લોકેશન ટ્રેસ થયું.


2005ની ઘટનામાં અશ્વિનીકુમાર ગૌશાળા સર્કલ પાસે નવીન રાવળિયા સાથે ઉગ્ર ઝઘડામાં તલવારથી હુમલો કરાયો હતો અને પિસ્ટલ પણ રાખવામાં આવી હતી. લોકો ભેગા થતાં બંને રિક્ષા અને હથિયાર મૂકી ફરાર થઈ ગયા હતા.અંતે, બે દાયકાના લાંબા સંઘર્ષ બાદ સુરત પોલીસે સાબિત કર્યું કે કાયદાની પકડ મોડે આવે, પણ મજબૂત આવે છે.
