National

151 દિવસ બાદ આખરે હેમંત સોરેન જેલમાંથી મુક્ત થયા, આવી રીતે કર્યું કમબેક

નવી દિલ્હી: ઝારખંડના (Jharkhand) પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને (Hemant Soren) આજે 28 જૂનના રોજ હાઈકોર્ટમાંથી (High Court) મોટી રાહત મળી હતી. તેમને કથિત જમીન કૌભાંડમાં હાઈકોર્ટે જામીન (Bail) આપ્યા હતા. સોરેન ઘણા મહિનાઓથી જેલમાં હતા. ત્યારે અગાઉ 13 જૂને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તેમજ જામીન મળ્યા બાદ તેઓ આખરે 28 જૂને આજે 151 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કથિત જમીન કૌભાંડમાં EDએ આ વર્ષે 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ત્યારે EDએ હેમંત સોરેનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને EDએ કહ્યું હતું કે જામીન આપવાથી ઇડીની તપાસને અસર થઇ શકે છે. જોકે કોર્ટે EDની વાત સાંભળી ન હતી અને સોરેનને જામીન આપ્યા હતા. હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હવે સોરેન આજે જેલમાંથી ખાસ અંદાજે બહાર આવ્યા હતા. હેમંત સોરેન જેલમાંથી છૂટતી વખતે સફેદ દાઢી અને ખભા પર ગમછા સાથે ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન હેમંતના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમને વધાવી લીધા હતા.

શું છે સમગ્ર મામલો?
EDના વકીલ એસવી રાજુએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે હેમંત સોરેને બરિયાતુના બડગાઈ વિસ્તારમાં 8.45 એકર જમીન પર અનધિકૃત રીતે કબજો કરી લીધો છે. જે PMLA 2002 માં સમાવિષ્ટ જોગવાઈઓ હેઠળ મની લોન્ડરિંગ છે. આર્કિટેક્ટ વિનોદ સિંહે નકશો બનાવીને હેમંત સોરેનના મોબાઈલ પર મોકલી આપ્યો હતો. તેમજ સર્વે દરમિયાન વિનોદે બડગઈ ખાતે આવેલી જમીનની ઓળખ કરી હતી. ત્યારે મહેસૂલ કર્મચારી ભાનુ પ્રતાપ પ્રસાદે પણ હેમંત સોરેનને મદદ કરી હતી.

ભાનુ પ્રતાપ પ્રસાદે પણ પોતાના નિવેદનમાં કબૂલ્યું હતું કે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મળેલી સૂચનાઓ પર તેમણે બડગઈ ખાતે આવેલી જમીનની વિગતવાર વિગતો તૈયાર કરી આપી હતી. હિલેરિયસ કચ્છપે આ જમીન પર ગેરકાયદે કબજો કરવામાં હેમંત સોરેનને પણ મદદ કરી હતી. હિલેરિયસે સંબંધિત જમીન પર તેમના નામે વીજ જોડાણ લીધું હતું. આ ઉપરાંત આ 8.45 એકર જમીનની પથ્થરોથી ઘેરાબંધી પણ કરાવી હતી.

જણાવી દઈએ કે હેમંત સોરેન બડગાઈ આંચલ જમીન કૌભાંડના આરોપમાં 31 જાન્યુઆરીથી જેલમાં છે. ત્યારે આ કેસમાં તપાસ પૂર્ણ કર્યા બાદ EDએ 30 માર્ચે હેમંત સોરેન સહિત 5 લોકો વિરુધ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમજ જીમેલ લીડર અંતુ તિર્કી સહિત 10 આરોપીઓ સામે સપ્લીમેન્ટરી ચાર્જશીટ પણ તાજેતરમાં કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમજ આ કેસમાં હેમંત સોરેન સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top