SURAT

10 મહિનાના મંથન બાદ ટીમ તૈયાર,સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી ચહેરાઓને પ્રાધાન્ય,મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણોનું સચોટ સંતુલન

મહાનગરપાલિકા ચૂંટણી પર નજર

ઉપપ્રમુખ-મંત્રી પદમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી કાર્યકરોનું વર્ચસ્વ

દસ મહિનાના લાંબા વિચાર-વિમર્શ અને સેન્સ પ્રક્રિયા બાદ અંતે Bharatiya Janata Partyના સુરત શહેર સંગઠનની નવી ટીમ જાહેર થઈ છે. શહેર પ્રમુખની જાહેરાત પછીથી હોદ્દેદારોની પસંદગી અંગે અનેક અટકળો ચાલી રહી હતી,જેને શુક્રવારે સાંજે પૂર્ણવિરામ મળ્યો.ટોચના નેતૃત્વે અનુભવી આગેવાનો સાથે નવા અને સક્રિય ચહેરાઓનો સમન્વય સાધી મિશન મોડમાં ટીમ તૈયાર કરી છે.

આગામી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે જ્ઞાતિગત અને પ્રાદેશિક સમીકરણો પર ખાસ ભાર મૂકાયો છે.સંગઠનમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી કાર્યકરોને મહત્વ આપીને તમામ જૂથોને સંતુલિત કરવાનો પ્રયાસ થયો છે. વિવાદોમાં રહેલા કેટલાક જૂના ચહેરા બહાર રાખીને કાર્યક્ષમ અને મેદાનમાં સક્રિય આગેવાનોને તક અપાઈ છે.સૌથી મહત્વના ગણાતા મહામંત્રી પદ પર કરસન ગોંડલિયા, વિરલ ગીલીટવાલા અને દુર્ગા પ્રસાદ પાંડેની નિમણૂક કરવામાં આવી છે.કરસન ગોંડલિયા અગાઉ પ્રદેશ કારોબારીમાં રહી ચૂક્યા છે, જ્યારે વિરલ ગીલીટવાલા દ્વારા મૂળ સુરતી કાર્યકરોને પ્રતિનિધિત્વ મળ્યું છે. પરપ્રાંતીય સમાજને ધ્યાનમાં રાખીને દુર્ગા રમાશંકર પાંડેને મહત્વની જવાબદારી સોંપાઈ છે.ઉપપ્રમુખ પદે મુકેશ દેસાઈ, સાધના રાવલ, પરેશ મોરડિયા અને સચિન પાટીલ સહિત ૮ આગેવાનોની પસંદગી થઈ છે. મંત્રી પદ માટે અમરીશ રામાણી, રોનક ધ્રુવ અને શીતલબેન પટેલ જેવા યુવા ચહેરાઓને સ્થાન આપીને સંગઠનમાં નવી ઉર્જા ફૂંકવાનો પ્રયાસ થયો છે. કોષાધ્યક્ષ તરીકે શૈલેષ જરીવાલાને યથાવત રાખવામાં આવ્યા છે, જે તેમની કામગીરી પર પક્ષનો વિશ્વાસ દર્શાવે છે.

ખાસ વાત એ રહી કે આ વખતે મુખ્ય સંગઠન સાથે જ તમામ મોરચાઓના હોદ્દેદારોની પણ એકસાથે જાહેરાત કરવામાં આવી છે.રાજકીય વર્તુળોમાં નવી ટીમને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.હવે આ માળખું ચૂંટણીના મેદાનમાં કેટલું અસરકારક સાબિત થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Most Popular

To Top