અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અફઘાન સેનાએ સરહદ પર રાતોરાત મોટા પાયે લશ્કરી કાર્યવાહી કરીને 58 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યાનો દાવો કર્યો છે અને 25 ચોકીઓ પર કબજો કર્યો છે. આ કાર્યવાહી અફઘાન વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા થયેલા સતત હવાઈ અને સરહદી હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યું હોવાનું અફઘાનિસ્તાનના તાલિબાન શાસનનું કહેવું છે.
અફઘાનિસ્તાનના તાલિબાન શાસનએ જણાવ્યું છે કે તા.11 ઓક્ટોબર શનિવારની રાતે અફઘાન સૈનિકોએ સરહદ પર ભારે હુમલો કરીને પાકિસ્તાની સેનાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલો ખાસ કરીને પક્તિયા પ્રાંતના રુબ જાજી જિલ્લામાં કરવામાં આવ્યો હતો. જ્યાં બંને દેશોના દળો વચ્ચે ભારે ગોળીબાર અને તોપખાનાની લડાઈ થઈ હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લડાઈ દરમ્યાન અફઘાન સૈનિકોએ પાકિસ્તાની સૈનિકોની ઘણી ચોકીઓ પર કબજો મેળવી લીધો છે અને અનેક હથિયારો જપ્ત કર્યા છે. સ્પિના શાગા, ગિવી, મણિ જાભા સહિતના વિસ્તારોમાં હાલ પણ હળવા અને ભારે શસ્ત્રોથી લડાઈ ચાલુ છે. અફઘાન દળોએ દાવો કર્યો છે કે પાકિસ્તાને તેમના વિસ્તાર અને હવાઈ ક્ષેત્રમાં વારંવાર ઘૂસણખોરી કરી હતી. જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
પાકિસ્તાનના હવાઈ હુમલાનો જવાબ
તા. 9 ઓક્ટોબરના રોજ પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ, ખોસ્ત, જલાલાબાદ અને પક્તિકા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં પાકિસ્તાને ટીટીપી (તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના ચીફ નૂર વલી મહસુદને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
તાલિબાન સરકારએ આ હવાઈ હુમલાઓને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વિદેશ મંત્રી અમિર ખાન મુત્તાકીએ ચેતવણી આપી હતી કે “અફઘાન લોકોની હિંમતની કસોટી ન લેવાય.” તેમણે જણાવ્યું કે અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન બંને સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ કોઈપણ દેશ તરફી ઝુકાવ રાખવામાં આવશે નહીં.
વિદેશ મંત્રીની ભારત મુલાકાત દરમિયાન તણાવ
આ લડાઈ એવા સમયે થઈ છે જ્યારે અફઘાન વિદેશ પ્રધાન અમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન જ પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો. જેના પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં વધુ તણાવ જોવા મળી રહ્યો છે.
તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદએ જણાવ્યું કે અફઘાન દળોએ 25 ચોકીઓ કબજે કરી, 58 સૈનિકોને મારી નાખ્યા અને 30થી વધુને ઘાયલ કર્યા છે. અફઘાનિસ્તાનએ સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાન ફરી આવી કાર્યવાહી કરશે, તો તેનું વધુ કડક પ્રતિકાર કરવામાં આવશે.