Gujarat

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એડીઆરનો રિપોર્ટ – દેશના રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ હજુ પણ માત્ર ૧૦ ટકા આસપાસ

ગાંધીનગર,તા.8
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા દેશભરમાં લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વ અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશની રાજકીય વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી હજુ પણ ખૂબ જ મર્યાદિત છે.એડીઆરના રિપોર્ટ મુજબ દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં લડનારા કુલ ૫૧,૭૦૮ ઉમેદવારોમાંથી માત્ર ૫,૦૯૫ એટલે કે લગભગ ૧૦ ટકા ઉમેદવારો મહિલાઓ છે. એટલું જ નહીં, દેશભરના ૪,૬૬૬ સાંસદો અને ધારાસભ્યોમાંથી માત્ર ૪૬૪ એટલે કે ૧૦ ટકા મહિલાઓ છે, જે રાજકારણમાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને દર્શાવે છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪નું વિશ્લેષણ
રિપોર્ટ અનુસાર ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કુલ ૮,૩૬૦ ઉમેદવારોમાંથી ૮૦૦ (૯.૬ ટકા) મહિલા ઉમેદવારો હતા. જ્યારે ૧૫૨ લોકસભા બેઠકો પર એકપણ મહિલા ઉમેદવાર નહોતો. ૧૮મી લોકસભામાં કુલ ૫૪૩ સાંસદોમાંથી ૭૪ એટલે કે ૧૪ ટકા મહિલા સાંસદો છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૧૧ મહિલા સાંસદો છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ૭-૭ તથા મધ્યપ્રદેશમાં ૬ મહિલા સાંસદો છે.

ગુજરાત સંબંધિત મહત્વના આંકડા
રિપોર્ટ અનુસાર ગુજરાતમાં હાલ લોકસભામાં ૪ મહિલા સાંસદો (MP) પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં ૧૪ મહિલા ધારાસભ્યો (MLA) કાર્યરત છે. લોકસભા ચૂંટણીના આંકડા મુજબ ભાવનગર લોકસભા મતવિસ્તારમાંથી નિમુબેન જયંતિભાઈ બાંભાણિયા (BJP) સૌથી વધુ ૬૯.૭૦ ટકા મત શેર સાથે વિજયી થયા હતા, જે રાજ્યમાં નોંધપાત્ર જીત માનવામાં આવે છે. બીજી તરફ, વિધાનસભા ચૂંટણીમાં લિંબાયત બેઠક ખાસ ધ્યાન ખેંચનારી રહી હતી, કારણ કે અહીં ૮ મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જે રાજ્યમાં સૌથી વધુ મહિલા ઉમેદવારો ધરાવતી બેઠકોમાંની એક તરીકે નોંધાઈ હતી. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ ધીમે ધીમે વધી રહ્યું છે, તેમ છતાં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવાની હજુ પણ જરૂરિયાત છે.ઉપરાંત ગુજરાતની લિંબાયત વિધાનસભા બેઠક પર ૮ મહિલા ઉમેદવારો સાથે સૌથી વધુ મહિલા ઉમેદવારોમાંથી એક નોંધાયો હતો.

મહિલા સાંસદો અને ધારાસભ્યોની પૃષ્ઠભૂમિ
રિપોર્ટમાં જણાવાયું છે કે વિશ્લેષણ કરાયેલા ૪૭૬ મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી ૧૨૭ (૨૭ ટકા)એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે ૬૮ (૧૪ ટકા) સામે ગંભીર ફોજદારી કેસો છે. નાણાંકીય સ્થિતિની વાત કરીએ તો ૪૭૬ મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી ૧૪ (૩ ટકા) અબજોપતિ છે. મહિલા સાંસદ અથવા ધારાસભ્ય દીઠ સરેરાશ સંપત્તિ ૧૭.૩૦ કરોડ રૂપિયા છે અને કુલ સંપત્તિ ૮,૨૩૪ કરોડ રૂપિયા જેટલી નોંધાઈ છે.
શૈક્ષણિક અને વય આધારિત માહિતી

રિપોર્ટ મુજબ ૩૩૩ (૭૦ ટકા) મહિલા સાંસદો અને ધારાસભ્યો ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જ્યારે લગભગ ૨૫ ટકા મહિલાઓએ ૫ થી ૧૨મા ધોરણ સુધીનું શિક્ષણ જાહેર કર્યું છે. ઉંમરના આધારે જોવામાં આવે તો ૬૩ ટકા મહિલા પ્રતિનિધિઓની ઉંમર ૪૧ થી ૬૦ વર્ષની વચ્ચે છે.

રાજકારણમાં મહિલાઓ આગળ વધવા માટેના સૂચનો
રિપોર્ટમાં રાજકીય પક્ષોને ચૂંટણીમાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ ટિકિટ મહિલાઓને આપવાની ભલામણ કરવામાં આવી છે. સાથે સાથે મહિલા ઉમેદવારોને મેરિટના આધારે પસંદગી આપવી, પ્રોક્સી ઉમેદવાર બનાવવાની પ્રથા ટાળવી, મહિલા સંગઠનોને મજબૂત કરવું તથા મહિલાઓ માટે તાલીમ અને નેતૃત્વ વિકાસ કાર્યક્રમો વધારવા જેવી ભલામણો કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી દેશ હોવા છતાં સંસદમાં મહિલા પ્રતિનિધિત્વના મામલે વૈશ્વિક સ્તરે પાછળ છે. દેશની કુલ વસ્તીમાં લગભગ ૪૯ ટકા મહિલાઓ હોવા છતાં સંસદ અને વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે, જે રાજકારણમાં લિંગ સમાનતા માટે હજુ પણ મોટો પડકાર હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

Most Popular

To Top