National

વારાણસી ખાતે આવેલા તુલસી ઘાટ ઘટના બાદ પ્રશાસન સજાગ, બોટ ચાલકો માટે નવા નિયમો લાગુ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં યાત્રીઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણને ધ્યાનમાં રાખીને ગંગા નદી પર ચાલતા નૌકાવિહાર માટે હવે નવો રૂટ પ્લાન બનાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ નિર્ણય છેલ્લા થોડા સમયથી ગંગા પર બોટોની વધતી સંખ્યા અને અવ્યવસ્થિત આવન-જાવનને કારણે થતા અકસ્માતનોને લીધે લીધો છે. લેવાયેલા નિર્ણય મુજબ હવે ગંગા પર બોટો નક્કી કરાયેલા માર્ગ પરથી જ ચલાવવામાં આવશે. ખાસ કરીને વ્યસ્ત ઘાટો નજીક એકસાથે ઘણી બોટો ભેગી ન થાય તે માટે અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. સવાર અને સાંજના સમયમાં યાત્રીઓની સંખ્યા વધુ હોવાને કારણે આ સમયગાળા દરમિયાન ખાસ નજર રાખવામાં આવશે. પોલીસ અને સ્થાનિક પ્રશાસને મળીને ચકાસણી અભિયાન પણ શરૂ કર્યું છે. લાઇસન્સ વગર બોટ ચલાવવી, ઓવરલોડિંગ કરવું અથવા સુરક્ષા સાધનો વગર યાત્રીઓને બેસાડવા જેવી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરનાર બોટચાલકો પર દંડ તેમ જ લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.

આ નવો રૂટ પ્લાન બે દિવસ પહેલાં તુલસી ઘાટ સામે ગંગામાં થયેલી બોટ ટક્કરની ઘટનાના બાદ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અકસ્માતમાં બે બોટો એકબીજા સાથે અથડાતા જોખમભરી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક પગલાં લીધા અને બોટ સંચાલન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો. નવા રૂટ મુજબ હવે રાજઘાટથી અસ્સી ઘાટ જતી બોટો પક્કા ઘાટની બાજુથી કિનારે-કિનારે જ ચલાવવી પડશે. જ્યારે પરત ફરતી વખતે બોટોને ગંગાના બીજા કિનારા તરફથી ફરી આવવાનું રહેશે. એટલે હવે બોટચાલકો ગંગાના મધ્ય ભાગમાં પોતાની મનમરજીથી બોટ નહીં ચલાવી શકે અને તેમને નક્કી કરાયેલા માર્ગનું જ પાલન કરવું પડશે.

પ્રશાસને બોટચાલકોને લાઇફજેકેટ, ફાયર સેફ્ટી સાધનો અને અન્ય જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ રાખવાની ફરજિયાત સૂચના આપી છે. સાથે જ, દરેક બોટ પર યાત્રીઓની મર્યાદિત સંખ્યા સુધી જ યાત્રિકોને લેવાની પણ ચીમકી આપી છે. આ સાથે ગંગા આરતી દરમિયાન ખાસ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવાશે, જેથી કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ નિર્ણયથી ગંગા પરનો ટ્રાફિક સુવ્યવસ્થિત બનશે અને અકસ્માતની શક્યતા ઘટશે. યાત્રીઓ માટે પણ આ પગલું સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પ્રશાસનનું કહેવું છે કે નિયમોનો કડક અમલ કરવામાં આવશે અને જરૂર પડશે તો વધુ નિયંત્રણો પણ લાદવામાં આવશે. સરકારનું લક્ષ્ય ગંગા નદી પર સલામત અને વ્યવસ્થિત નૌકાવિહાર ચાલતી રહે અને બેદરકારીને લીધે કોઈ અકસ્માત ન સર્જાય એ જ છે.

Most Popular

To Top