નવી દિલ્હી: આદિપુરુષ (Adipurush) ફિલ્મના (Film) રિલીઝ પહેલા જેટલી આતુરતાથી તેની રાહ જોવાતી હતી તેટલું જ હવે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મના ડાયલોગ્સને (Dialogues) લઈ હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદો વચ્ચે પણ ફિલ્મની કમાણી સારી થઈ રહી છે. પ્રથમ દિવસે જ ફિલ્મે 100 કરોડની કમાણી કરી હતી. આ હોબાળા વચ્ચે સીતા માતાની ભૂમિકા ભજવનાર કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેના કારણે ક્રિતિ ટ્રોલ થઈ રહી છે.
આ વીડિયો દ્વારા ક્રિતિએ ટ્રોલર્સ પર નિશાન સાધ્યો છે. ફિલ્મ આદિપુરુષમાં જાનકીની ભૂમિકા ભજવનાર કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર એક સિનેમા હોલનો વીડિયો શેર કર્યો છે જેમાં આદિપુરુષના કેટલાક સીનમાં દર્શકો તાળીઓ પાડી રહ્યાં છે તેવું જોઈ શકાય છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે મારું ફોક્સ માત્ર તાળીઓ પર છે, જય શ્રી રામ. આ વીડિયો પર સૈફ અલી ખાન અને પ્રભાસનું કોઈ રિએકશન જોવા મળ્યું નથી. જો કે આ વીડિયોના કારણે કેટલાક લોકો કૃતિ પર ભડકી ઉઠ્યા છે અને કહ્યું છે કે રામાયણનું અપમાન નહિં કરો.
રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પણ આ ફિલ્મ અંગે ટિપ્પણી કરી
1987ની રામાયણના નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પણ આ ફિલ્મ અંગે ટિપ્પણી કરી છે તેમણે કહ્યું છે કે મેં ‘આદિપુરુષ’ ફિલ્મ જોઈ નથી પરંતુ તેનું ટ્રેલર જોયુ. આ અંગે હું એટલું જ કહેવા માંગુ છું કે ફિલ્મ રિલીઝ થયા પછી મેં તેના ડાયલોગ્સ સાંભળ્યા. લંકા લગા દૂંગા, જલેગી ભી તેરે બાપ કી… આ પ્રકારના ડાયલોગ્સ રામાયણનું અપમાન કરવા બરાબર છે. રામાયણમાં આ પ્રકારના શબ્દો સાંભળીને મારો આત્મા ઉદાસ થઈ ગયો. જો તેમણે આધુનિક રામાયણ બનાવી હોય તો સર્જનાત્મક સ્વતંત્રતાને આટલી હદે લઈ જવી યોગ્ય નથી. જ્યારે મારા પિતાએ રામાયણ શો બનાવ્યો ત્યારે તેમણે પણ ઘણી સર્જનાત્મક સ્વતંત્રતા લીધી, પરંતુ તેઓ ક્યારેય તેમના કાર્યક્ષેત્રની બહાર ગયા નહીં.
આદિપુરુષમાં કોણે કેટલી ફી લીધી?
આદિપુરુષમાં સીતા માતાની ભૂમિકા ભજવનાર કૃતિ સેનને 3 કરોડ જ્યારે રામની ભૂમિકા ભજવનાર પ્રભાસે 100 કરોડની ફી લીધી હોવાનું સામે આવ્યું છે. રાવણની ભૂમિકા ભજવનાર સૈફ અલી ખાને 12 કરોડ જ્યારે તેની પત્ની મંદોદરીની ભૂમિકા ભજવનાર સોનલે 50 લાખ રૂપિયા ફી લીધી છે. લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સની સિંહે 1.5 કરોડ રૂપિયા લીધા છે.