મહેસાણા: આજના યુગ માં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનનીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહયુ છે. કોઈ પણ ખરાબ વસ્તુનું વ્યસન માનવીને કંગાળ સાથે તેનું જીવન (Life) બરબાદ કરી નાંખે છે. હવે તો મોટેભાગે બુદ્વીશાળી માનવી પણ વ્યસની આપણને જોવા મળતા હોય છે. હાલની પરિસ્થિતીને જોઈને લાગી રહ્યું છે કે લોકો જાણી જોઈને પોતાનુ મહામુલ્યવાન જીવન ટુંકાવી રહ્યા છે. પરંતુ આજના આવા ફેશનના (Fashion) જમાનામાં પણ મહેસાણામાં (Mehsana) આવેલું 6 હજારની વસ્તી ધરાવતું વડનગરનું બાદરપુર ગામમાં બાળકથી લઈ વૃદ્ઘ સુધી કોઇ વ્યક્તિ વ્યસન કરતું નથી. ગામના એક વૃદ્ઘ કે જેઓને રોજની 25 બીડી પીવાની આદત હતી તેઓએ એકાએક બીડી પીવાની પોતાની આ કુટેવને છોડી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે આ ગામમાં 21 વર્ષથી આ ગામમાં કોઈ પણ જાતના ગુટખા તંબાકુના વેચાણ ઉપર પ્રતિબંધ છે. આ ગામ કોઇ મંદિર, મસ્જિક કે પ્રવાસન સ્થળથી નહીં પણ પોતાના અડીખમ નિર્ણયથી ઓળખાય છે.
મળતી માહિતી મુજબ મહેસાણાથી 35 કિલોમીટર દૂર આવેલા વડનગરના બાદરપુર ગામમાં અઢારે વરણના લોકો સંપીને રહે છે. આમ તો સમગ્ર ગામને વ્યસન મુક્ત કરવું એ નાનો તો નહિ પરંતુ ઐતિહાસિક નિર્ણય ચોક્કસપણે કહી શકાય. 1997 આસપાસ આ ગામના એક યુવાનનું વ્યસનના કારણે ગંભીર બીમારી થઈ હતી જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1997થી 2001ના વર્ષમાં ગામના 8 જેટલા લોકો કેન્સરની બીમારીથી પીડાતા થતાં ગામના સરપંચ ગુલામ હૈદરે આખુ ગામ ભેગું કરી આજ પછી ગામમાં કોઇએ વ્યસ્ન કરવું નહીં કે કોઇ પ્રકારે ગુટખા, તંબાકું અને બીડી જેવી વસ્તુંનું વેચાણ કરવું નહીં અંગેનો નિર્ણય લીધો.
સરપંચના આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો અને બીજા દિવસે જેટલી દુકાનો પર ગુટખા, તંબાકુની વસ્તુઓ હતી બધી ગામલોકોએ ખરીદી લઈ તેને આગ ચાંપી દીધી હતી. કોઇ પણ દંડકીય કાર્યવાહી વગર પણ આજે 21 વર્ષ વીતી ગયા છતાં ગામ પોતાના અડીખમ નિર્ણય પર અડગ છે. સરપંચના નિર્ણય બાદ ખેડૂતોએ પણ તંબાકુની ખેતી કરવાનું બંધ કર્યું અને ગામને આ વ્યસનની જાળમાંથી બહાર લાવવામાં મદદ કરી છે.
બાદરપુર ગામમાં કોઇ બહારથી આવે અને દુકાન પર જઇને તંબાકુ કે ગુટખા માંગે તો જવાબ મળે છે કે, અહીંયા આવું કઇ નહીં મળે. આ જવાબ સાંભળીને ઘણા ચોંકી જાય છે. જો તેમને ન ચાલે એમ હોય તો બાજુના ગામમાં લેવા જવું પડે છે ગ્રામજનોના આ અડગ નિર્ણય પાછળનો આ પાછળનો હેતુ કે, ગામના તમામ લોકો નિરોગી રહે. ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે કે, નવયુવાનોના હિત માટે આવા નિર્ણય દરેક ગામે લેવા જોઇએ.