મુંબઇ: અદાણી ગ્રુપ (Adani group)ના વડા ગૌતમ અદાણી (Gautam adani)એ આ અઠવાડીયામાં જેટલા નાણા ગુમાવ્યા (loss) છે તેટલા અન્ય કોઇએ નહીં ગુમાવ્યા હોય. અદાણીની મિલકતો આ સપ્તાહમાં 13.2 અબજ ડોલરથી ઘટીને 63.5 અબજ ડોલર (billions dollar) થઇ ગઇ હતી.
એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીની નજીક પહોંચવા માટે અદાણી ગતિ કરી રહ્યા હતા તે સમયે જ અચાનક આ ધોવાણ થઇ ગયું છે. અદાણી જૂથની કંપનીઓના છ લિસ્ટેડ શેરો જે વિદેશી ભંડોળો મોટા પ્રમાણમાં ધરાવે છે તે ભંડોળોના ખાતાઓ એનએસડીએલ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે તેવી વાત ફેલાતા અદાણી જૂથની કંપનીઓના શેરોમાં મોટું ધોવાણ થયું હતું. ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે શેર ડિપોઝિટરીએ મોરેશ્યસ સ્થિત ત્રણ ફંડો અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટો થિજાવી દીધા છે કારણ કે તેમના માલિકો વિશે માહિતી પુરતી નથી. આ ભંડોળોનું ઘણુ મોટું હોલ્ડિંગ – લગભગ ૬ અબજ ડોલર જેટલું – અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં છે. સોમવારે આ અહેવાલ પ્રગટ થયા બાદ અદાણી જૂથના શેરો ગગડવા માંડ્યા હતા અને ગુરુવાર સુધી આ શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું.
અદાણી જૂથે ફંડોના એકાઉન્ટ ફ્રીઝ થયા અંગેના અહેવાલને સંપૂર્ણ ભૂલભર્યા અને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરવા માટેના ગણાવ્યા હતા. ત્રણમાંથી બે ફંડોએ પણ આ બાબતે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના ફંડોમાં ફક્ત ટેકનીકલ એકાઉન્ટ લેવલનું ફ્રીઝ થયું હતું અને તેમની ટ્રેડિંગ પ્રવૃતિ પર આની કોઇ અસર થઇ નથી. જો કે તેમણે ફક્ત અદાણી જૂથના શેરોમાં જ એક આટલું બધું રોકાણ કર્યું તેનો કોઇ જવાબ તેમણે આપ્યો ન હતો કે તેમના રોકાણકારો અંગે પણ પૂરતી માહિતી આપી ન હતી.