નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani Group) સ્ટોક કેસની આજે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 જાન્યુઆરીના નિર્ણયની સમીક્ષાની માગણી કરતી અરજીને સુપ્રીમે ફગાવી હતી. આ નિર્ણયમાં અદાણી જૂથ ઉપર લાગેલા સ્ટોકના ભાવની હેરાફેરીના આરોપોની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા CBIને ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરવામાં હતો.
સમગ્ર મામલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 3 જાન્યુઆરીના ચુકાદા સામે સુનાવણી હાથ ધરી હતી. અસલમાં અદાણી ગ્રુપ ઉપર સ્ટોકની હેરાફેરીના આરોપો હતા અને આ કેસની તપાસ માટે એસઆઇટી અને સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી હતી. જેનો સુપ્રીમે 3 જાન્યુઆરીના રોજ થયેલી સુનાવણીમાં ઇનકાર કર્યો હતો. ત્યારે આજે સોમવારે 15 જુલાઇના રોજ પીઆઈએલ અરજીકર્તાઓમાંની એક અનામિકા જયસ્વાલની રિવ્યુ પિટિશન અરજી ઉપર સુપ્રીમના નિર્ણયની ફરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ફરી એક વાર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણયને કાયમ રાખતા હિંડનવર્ગ કેસને સીબીઆઇને સોંપવાનો ઇનકાર કર્યો હતો.
રિવ્યુ પિટિશન ફગાવી
ખંડપીઠે તેમના આદેશમાં જણાવ્યું હતું કે, “રિવ્યુ પિટિશન પર વિચાર કર્યા બાદ રેકોર્ડમાં કોઈ ભૂલ દેખાતી નથી. સુપ્રીમ કોર્ટના નિયમો 2013 ના ઓર્ડર 47 નિયમ 1 હેઠળ સમીક્ષા માટેનો કોઈ કેસ બહાર આવ્યો નથી. તેથી રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે છે આ પિટિશનને જજો દ્વારા ચેમ્બરમાં ધ્યાનમાં લેવામાં આવી હતી. અગાઉ આ વર્ષે 3 જાન્યુઆરીએ સર્વોચ્ચ અદાલતે શેરની કિંમતોમાં હેરાફેરીના આરોપોની સીબીઆઈ અથવા એસઆઈટી તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.
રિવ્યુ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચુકાદામાં ‘ભૂલો અને ત્રુટિઓ’ હતી અને અરજદારના વકીલ દ્વારા મેળવવામાં આવેલી કેટલીક નવી માહિતીના આધારે આ મામલે ફરી ચુકાદો કરવા માટે યોગ્ય દલીલો પણ છે. ત્યારે અરજીમાં કહેવામાં આવ્યું છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ તેના રિપોર્ટમાં આરોપો બાદ કરવામાં આવેલી 24 તપાસની સ્થિતિ વિશે જ કોર્ટને જાણ કરી હતી, પરંતુ તેમણે તેમની પૂર્ણતા અથવા અપૂર્ણતા વિશે કોઈ માહિતી આપી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બજાર નિયામકે અદાણી ગ્રૂપ સામેના 24 આરોપોમાંથી 22 કેસમાં તેની તપાસ પૂર્ણ કરી છે.
અદાણી ગ્રુપે આરોપોને ફગાવી દીધા હતા
કોર્ટનો 3 જાન્યુઆરીનો નિર્ણય હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાન્યુઆરી 2023માં અદાણી ગ્રૂપ સામે કરવામાં આવેલા ગંભીર આરોપોના સંદર્ભમાં આવ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કપટપૂર્ણ વ્યવહારો અને શેરના ભાવમાં છેડછાડ સહિતના અનેક આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે જરૂરી માહિતી શેર કરવા સંબંધિત તમામ કાયદાઓ અને જોગવાઈઓનું પાલન કર્યું છે.