રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસરે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે એક વીડિયો દ્વારા RSSને શુભકામનાઓ પાઠવી અને દેશની સેવામાં તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો.
રણવીર સિંહે પોતાના વીડિયોમાં કહ્યું “નમસ્તે.. હું રણવીર સિંહ, RSSને 100 વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. છેલ્લા 100 વર્ષોમાં રાષ્ટ્ર પ્રત્યે આપેલા યોગદાન માટે હું RSSનો દિલથી આભાર માનું છું. હું ઈચ્છું છું કે આવનારા વર્ષો પણ આદર, પ્રેરણા અને રાષ્ટ્રપ્રેમથી ભરેલા રહે.” વીડિયોના અંતે અભિનેતાએ ફરી એક વાર સંગઠનનો આભાર વ્યક્ત કર્યો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તાજેતરમાં તેની શતાબ્દી ઉજવણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને RSS વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે RSSના મહાસચિવ દત્તાત્રય હોસાબલેએ જણાવ્યું કે સંગઠન છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રસેવા માટે સમર્પિત રહીને કાર્ય કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે “RSS કોઈના વિરોધમાં નહીં પરંતુ લોકોના પ્રેમ અને સમર્થનના આધાર પર રાષ્ટ્રનિર્માણ માટે કાર્યરત સૌથી મોટું સ્વયંસેવક સંગઠન બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
હોસાબલેએ વધુમાં જણાવ્યું કે RSSનો વિચાર એટલે ભારતનો વિચાર જે તેની સંસ્કૃતિ, વિચારધારા અને જીવનશૈલીમાં સમાયેલો છે. તેમણે કહ્યું કે હજારો વર્ષોથી ભારતના લોકો આ વિચારને અનુસરી રહ્યા છે અને સંવાદ દ્વારા ચરિત્ર નિર્માણ કરીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે.
આ ખાસ અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે RSSની 100મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટ અને સ્મારક સ્ટેમ્પ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. RSSએ નિવેદન જારી કરીને જણાવ્યું કે આ સમગ્ર સંઘ પરિવારો અને રાષ્ટ્રપ્રેમીઓ માટે ગૌરવનો ક્ષણ છે.
આ રીતે રણવીર સિંહનો સંદેશ અને સરકારના સન્માન કાર્યક્રમ સાથે RSSની શતાબ્દી ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને સમાજસેવાના સંકલ્પનો સંદેશ આપી રહી છે.