SURAT

ચૂંટણીની ચહલપહલથી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં તેજી

ખેસ-ઝંડા થી લઈને નવીન પ્રચાર સામગ્રી સુધી 150 કરોડના વેપારની આશા : સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામતા જ શહેરના ટેક્સટાઈલ બજારમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. પ્રચાર સામગ્રીના વધતા ઓર્ડરોને કારણે વેપારીઓમાં ખાસ્સો ઉત્સાહ છે અને બજારમાં ધમધમાટ વધ્યો છે.

રાજકીય પક્ષો દ્વારા મતદારો સુધી પહોંચવા માટે ખેસ, ટોપી, ઝંડા અને સાડી જેવી વસ્તુઓની મોટા પાયે માંગ ઊભી થઈ છે, જેના કારણે કાપડ ઉદ્યોગને સારો વેગ મળ્યો છે. માત્ર ગુજરાત પૂરતું જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં યોજાતી ચૂંટણીઓના કારણે પણ સુરતના ઉત્પાદકોને મોટા ઓર્ડર મળી રહ્યા છે. ખાસ કરીને ઝંડા અને બેનરો માટેની માંગમાં વધારો નોંધાયો છે. ઉત્પાદકોના જણાવ્યા મુજબ, આ સીઝનમાં કામનો વ્યાપ એટલો વધી ગયો છે કે કારખાનાઓમાં દિવસ-રાત ઉત્પાદન ચાલી રહ્યું છે.

આ વર્ષે એક ખાસ ટ્રેન્ડ એ પણ જોવા મળ્યો છે કે રાજકીય પક્ષો પોતાના પ્રતીકો સાથે તિરંગાની પણ મોટા પ્રમાણમાં માંગ કરી રહ્યા છે. દેશભક્તિના આ અભિવ્યક્તિને કારણે બજારમાં નવા પ્રકારના પ્રોડક્ટ્સ પણ ઉમેરાયા છે. પરંપરાગત સામગ્રી ઉપરાંત હવે બક્કલ, હેરબેન્ડ, પિન, બ્રેસલેટ અને મોબાઈલ એસેસરીઝ જેવી નવીન વસ્તુઓ પણ પ્રચાર માટે બનાવવામાં આવી રહી છે.

વેપારીઓના અંદાજ મુજબ આ ચૂંટણી સીઝનમાં કુલ વેપાર 100 થી 150 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. મોટા ભાગના પક્ષો સસ્તી અને ‘યૂઝ એન્ડ થ્રો’ પ્રકારની સામગ્રીને વધુ પ્રાધાન્ય આપે છે, કારણ કે તેનો ઉપયોગ મુખ્યત્વે રેલીઓ અને સભાઓ દરમિયાન થાય છે. હાલ સુરતના વેપારીઓ માટે આ સમય સોનેરી તક સમાન બની ગયો છે, જ્યાં સતત મળતા ઓર્ડરો વેપારને નવી ઊંચાઈ આપી રહ્યા છે.

Most Popular

To Top