National

દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિની પર એસિડ એટેક: કોલેજ જતી વખતે યુવકોએ હુમલો કર્યો

દિલ્હીમાં ફરી એક વાર એસિડ એટેકની ઘટનાએ ચોંકાવી દીધું છે. ઉત્તરપશ્ચિમ દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં આવેલી લક્ષ્મીબાઈ કોલેજ નજીક દિલ્હી યુનિવર્સિટીની સેકન્ડ યરની વિદ્યાર્થિની પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે ઘટના ગત રોજ વહેલી સવારે બની હતી. જ્યારે પીડિતા કોલેજ જઈ રહી હતી. હુમલામાં યુવતીનો ચહેરો તો બચી ગયો પરંતુ તેના બંને હાથ ગંભીર રીતે બળી ગયા.

ઘટનાની વિગત
પોલીસના જણાવ્યા મુજબ પીડિતા મુકુંદપુર વિસ્તારની 20 વર્ષીય યુવતી છે. તે પોતાના ક્લાસ માટે કોલેજ જઈ રહી હતી ત્યારે ત્રણ યુવકો મોટરસાઇકલ પર આવ્યા અને તેની પર એસિડ ફેંક્યું હતું. હુમલા બાદ આસપાસના લોકોએ તાત્કાલિક યુવતીને હોસ્પિટલ પહોંચાડી. ડોક્ટરો અનુસાર પીડિતાને હાથમાં ઈજા થઈ છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

આરોપીઓની ઓળખ
પીડિતાના નિવેદન અનુસાર હુમલાખોરોમાંથી એક તેનો ઓળખીતો હતો. જેનું નામ જીતેન્દ્ર હતું. જે મુકુંદપુરનો રહેવાસી છે. તે પોતાના મિત્રો ઇશાન અને અરમાન સાથે મોટરસાઇકલ પર આવ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે ઇશાને અરમાનને એક બોટલ આપી હતી અને અરમાને એ એસિડ તેની તરફ ફેંક્યું. હુમલા બાદ ત્રણેય આરોપી સ્થળ પરથી ભાગી ગયા હતા.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે લગભગ એક મહિના પહેલા જીતેન્દ્ર સાથે તેનો ઝગડો થયો હતો અને ત્યારથી તે તેનું પીછો કરી રહ્યો હતો. પોલીસે પીડિતાના નિવેદનના આધારે ભારતીય દંડ સંહિતા અને CrPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

તપાસ ચાલુ
ઘટનાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ અને FSL ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ક્રાઇમ સીનનું નિરીક્ષણ કર્યું અને આસપાસના CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. નજીકના રાહદારીઓ અને દુકાનદારોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે આરોપીઓની શોધ માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને પ્રાથમિક તારણ મુજબ વ્યક્તિગત વિવાદને લઈને આ હુમલો થયો હોવાની સંભાવના છે. હાલ પીડિતા હોસ્પિટલમાં છે અને તેનું સ્વાસ્થ્ય સ્થિર છે.

Most Popular

To Top