દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે લાલ કિલ્લાની સામે યોજાયેલા જૈન સમુદાયના ધાર્મિક કાર્યક્રમમાંથી 1 કરોડ રૂપિયાના કળશની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી છે. ભૂષણ વર્મા નામના આ આરોપીને ઉત્તર પ્રદેશના હાપુડમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેને હાપુડથી દિલ્હી લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
માહિતી મુજબ, આરોપીએ થોડા દિવસો પહેલા લાલ કિલ્લાની સામે ચાલતા જૈન શિબિર દરમિયાન સોનાથી મઢેલા કળશની ચોરી કરી હતી. કળશની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા જેટલી હતી. ચોરી બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્તચર માહિતીના આધારે ભૂષણ વર્માના હાપુડમાં છુપાયેલા હોવાનો પતો લગાવ્યો. ત્યારબાદ અચાનક દરોડો પાડીને તેને પકડી પાડવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, ભૂષણ વર્મા વિરુદ્ધ અગાઉથી પણ 5 થી 6 ચોરીના કેસ નોંધાયેલા છે.
ઉત્તર જિલ્લાની પોલીસ ટીમ પણ તેને પકડવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ અંતે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને તેને કાબૂમાં લીધો. પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ધરપકડ થઈ છે અને હવે તેને દિલ્હી લાવીને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવશે.
આ ઘટના બાદ ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. લાલ કિલ્લા જેવા સંવેદનશીલ વિસ્તારમાં દિવસ દાઢે થયેલી આ ચોરીએ સુરક્ષા એજન્સીઓની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. પોલીસ હવે આરોપી પાસેથી ચોરાયેલો કળશ અને તેના સાથીઓ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.