સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2019 માં કોસ્ટીક સોડા અને સાયટ્રીક એસીડના વેપારીની સામે ટ્રાન્સપોર્ટરોએ પાંડેસરામાં 12.31 લાખની છેતરપિંડી (Fraud)ની ફરિયાદ (fir) દાખલ કરાવી હતી. આ સિવાય વર્ષ 2020 માં જીએસટી (gst) દ્વારા આશરે 200 કરોડના બોગસ બીલીંગ કૌભાંડ (Duplicate billing scam)ની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે આ ગુનામાં નાસતા ફરતા આરોપીને કતારગામ બાપાસીતારામ ચોક સરકારી સ્કુલ પાસેથી ઝડપી પાડ્યો હતો.
ગઈકાલે ક્રાઈમ બ્રાંચની ટીમને પાંડેસરામાં છેતરપિંડીનો અને બોગસ બીલીંગ કૌભાંડનો આરોપી કતારગામ બાપાસીતારામ ચોક સરકારી સ્કુલ પાસે હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે પરેશભાઈ જયંતીભાઈ માલવીયા (રહે, ૨૩૫ મોહનદીપ સોસાયટી , બાપાસીતારામ ચોક પાસે કતારગામ. મુળ રહે, ગમા પીપરીયા તા.બાબરા જી.અમરેલી) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા પરેશભાઈ “મેસર્સ બાલાજી એન્ટર પ્રાઈઝીસ તથા નેહુલ ટેલર “દર્ષ એકસપોર્ટ“તથા દેવાંગ પારેખ “સુભમ ટ્રેડર્સ“નામની કંપનીઓ ધરાવતા હતા.
કંપનીના વહીવટ કરતા તરીકે વિશાલ સોનાવાલા તથા ચંદ્રકાંત જાદવ કામ સંભાળતા હતા. કોસ્ટીક સોડા તથા સાયટ્રીક એસીડનો વેપાર ધંધો કરતા હતા. જેની ઓફિસ પ્લોટ નં.૨૯૨/ર૯૩/૧, ઓલ્ડ શાલુ ડાંઈગ મીલની પાસે આવેલી છે. વર્ષ 2019 માં શ્રી શ્યામ રોડ કેરીયર (S.R.T) તથા કે.એલ.ટ્રાન્સપોર્ટ માધ્યમથી ગુજરાત તથા દેશના અન્ય રાજ્યોમાં કંપનીના નામે કોસ્ટીક સોડા તથા સાયટ્રીક એસીડ મોકલતા હતા. ટ્રાન્સપોર્ટના કુલ રૂપીયા ૧૨,૩૧,૧૦૦ નહી ચુકવતા ટ્રાન્સપોર્ટના માલીક પ્રવિણભાઈ શર્માએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આ ગુનામાં આરોપી આજદિન સુધી નાસતો ફરતો હોવાથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
જીએસટીમાં પણ બિલીંગ કૌભાંડની તપાસ ચાલું છે
આરોપી પરેશની સામે કંપનીના નામે બોગસ બીલો બનાવી વેપાર ધંધો કરતા હોવાની ફરિયાદ પણ દાખલ છે. G.S.T. ડીપાર્ટમેન્ટમાં ઈન્કવાયરી દાખલ થઈ હોવાની કબૂલાત તેને ક્રાઈમ બ્રાંચ સમક્ષ કરી હતી. આશરે ત્રણેક કરોડનો વેપાર હોવા છતાં 200 કરોડથી વધારેનું બીલીંગ કરીને ક્રેડીટ લીધી હતી. આ ગુનામાં ગત જાન્યુઆરીમાં વિશાલ સોનાવાલાની ધરપકડ થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.