Comments

નવા મજદૂર કાયદાઓ મુજબ કર્મચારીની ભાવિ બચત તરીકે કપાત વધશે પણ દર મહિને હાથમાં આવતો પગાર (ટેક ઓન સેલેરી) ઘટી જશે

નવા મજૂર કાયદાને લઈને છેલ્લા કેટલાક વખતમાં ભારતભરમાં ઘણી ચર્ચા થઈ છે. માલિકો, કર્મચારીઓ અને વેપાર કરનારા બધાએ આ કોડની વિવિધ કલમો અને તેમની અસરો વિશે વિચાર્યું છે. એક સામાન્ય વાત જે બહુ ચર્ચામાં છે તે એ કે ‘કુલ પગાર (CTC) વધશે પણ દર મહિને હાથમાં આવતો પગાર (ટેક હોમ સેલરી) ઘટી જશે.’ આવું કેમ થાય છે, શું સાચું છે? પગાર કઈ રીતે પ્રભાવિત થાય છે અને કર્મચારી કે નોકરી આપનારા માટે કયાં પગલાં ઉપયોગી રહેશે – આ તમામ મુદ્દાઓને નીચે વિગતવાર સમજાવ્યા છે.

૨૦૧૯-૨૦૨૦ની આસપાસ કેન્દ્ર સરકારે જુદા જુદા મજૂર કાયદાઓને એકીકૃત કરીને ચાર મુખ્ય કોડ રજૂ કર્યા: કોડ ઑન વેજીસ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન્સ કોડ અને સોશ્યલ સિક્યુરિટી કોડ.
આનો ઉદ્દેશ છે કાયદાઓનું સરળીકરણ, કામદાર સુરક્ષા અને સુવિધાઓનું વિસ્તરણ અને માર્ગદર્શક નિયમો બનાવવા જે આધુનિક અર્થતંત્રને અનુકૂળ હોય. અમલવારી પ્રક્રિયા અને નિયમો પ્રત્યે અલગ અલગ રાજ્યો અને કેન્દ્રિય વિભાગો વચ્ચેની વહેંચણીમાં વધુ સ્પષ્ટતા દેખાય છે.

જો કે ઘણાં સ્થળોએ નિયમો અને નિયમ દરો હજુ વિગતવાર નક્કી થવાના છે. CTC (કોસ્ટ ટુ કંપની) અને ટેક હોમ સેલરી વચ્ચેનો તફાવત : CTC એ કર્મચારી પર કંપનીનું એકંદર ખર્ચ હોય છે, જેમાં પગારના વિવિધ ભાગો અને કંપની દ્વારા કરાતા તમામ યોગદાનનો સમાવેશ થાય છે. જેમકે મૂળ પગાર (Basic), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA), સ્પેશિઅલ/ઇન્સેન્ટિવ એલાઉન્સ, કર્મચારીનું સામાજિક સુરક્ષા યોગદાન (EPF), ESIC પ્રીમિયમ (જ્યારે લાગુ પડે), ગ્રેજ્યુઇટી પ્રાવધાન કે માસિક ગણતરી, ગ્રુપ ઇન્સ્યોરન્સ, લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિકલ કવર, બોનસ તથા અન્ય સુવિધાઓનું મૂલ્ય, વગેરે કોસ્ટ ટુ ધ કંપનીમાં સમાવેશ થાય છે. ટેક હોમ સેલરી એ દર મહિને કર્મચારીને મળતો ચોખ્ખો પગાર છે.

ભારતમાં નવા લેબર કોડના અમલના કારણે રોજગાર ક્ષેત્રમાં મોટા ફેરફારો આવવાના છે. ચાર મુખ્ય કોડ એટલે કે, સામાજિક સુરક્ષા વિસ્તાર, જેમાં પ્લેટફોર્મ વર્કર અને ગીગ એટલે કે, નાના-મોટા સેવાકીય ક્ષેત્રે રોકાયેલાં કારદારોને પણ લાભ આપવાની જોગવાઈ કરાઈ છે. સાથોસાથ અત્યાર સુધી મળતા ઘણા લાભોને વિસ્તૃત કરાયા છે. એ જ રીતે મજદૂરી અથવા પગારને લગતો કોડ, ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ કોડ, ઓક્યુપેશનલ સેફટી એટલે કે કામના સ્થળે તેમજ કાર્ય સંદર્ભિત સલામતી, હેલ્થ અને વર્કિંગ કન્ડીશન કોડ એટલે કે આરોગ્ય તેમજ કાર્યસ્થળની સુરક્ષા વગેરેને સંબંધિત કાયદો આ બધા થકી સરકારનો ઉદ્દેશ છે કે, મજૂર કાયદાઓનું સર્વેકરણ કરવું, કાર્યપદ્ધતિ તેમજ કાર્યસ્થળની સુરક્ષા, સામાજિક સુરક્ષા અને વધુ વ્યાપક સ્વરૂપે કર્મચારી હિતની સુરક્ષા અમલી બનાવવી, પરંતુ કેન્દ્ર સરકાર જે દાવો કરે છે તે મુજબ કામદારોનાં સંગઠનો વાત સ્વીકારવા તૈયાર નથી. એનું એક કારણ એ પણ હોઈ શકે કે, આ ચારેય કોડ (કાયદા) કોવિડનો પ્રકોપ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે પોતાની ગ્રુપ મેજોરિટી એટલે કે, અતિ બળવાન બહુમતીનો લાભ લઈને માત્ર ૪૫ મિનિટમાં સંસદમાં પસાર કરવામાં આવ્યા હતા.

આ સુધારા સંબંધિત કોઈ પણ ચર્ચા-વિચારણા મજદૂર યુનિયનો અથવા નિષ્ણાતો સાથે કરવામાં આવી નથી, જેના પરિણામે એક કરતાં વધુ કારણોસર ભારતના દસ જેટલાં મુખ્ય મજદૂર યુનિયનો આ કાયદાઓ સામે વિરોધ બતાવ્યો છે અને દેશવ્યાપી આંદોલન છેડ્યું છે. એક માત્ર ભારતીય મજદૂર સંઘ જે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરિત ભારતીય જનતા પાર્ટીની ભગિની મજદૂર સંસ્થા છે ત્યારે લેબર લૉઝમાં ધરખમ સુધારો કરતાં આ ચારેય કાયદાઓને કામદારોના હિતમાં સરકાર દ્વારા લેવાયેલ એક ક્રાંતિકારી પગલું ગણાવે છે.

આ કાયદાઓના કારણે ઊભી થતી એક વિચિત્ર પરિસ્થિતિ મુજબ કર્મચારીઓનું પગારનું કુલ પેકેજ એટલે કે, કંપની વીમા કવચથી માંડી અન્ય સવલતો પૂરી પાડે તેની કિંમત અને બેઝીક પગાર, મોંઘવારી ભથ્થું વગેરે મળીને કંપનીને આપવી પડતી કુલ કિંમત જે આ લેખની શરૂઆતમાં ચર્ચી છે અને જેને CTC કહે છે તેને આધારે કર્મચારી મજદૂરના પગારનું કુલ પેકેજ વિસ્તરશે પણ બીજી એક જોગવાઈ મુજબ કુલ પગારનું પચાસ ટકા બેઝિક રાખવો પડશે. તેને કારણે કર્મચારી સામે કરવામાં આવતો ઉમેરો વધશે પણ આ બધું જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે મળે. અત્યારે યક્ષપ્રશ્ન છે, તમારા હાથમાં આવતો પગાર ઘટશે?

કોડ ઓન વેજીસ મુજબ, કર્મચારીનો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું મળીને કુલ CTCના ૫૦% અથવા તેથી વધુ હોવો ફરજિયાત છે. આ ફેરફારને કારણે, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઇટીની ગણતરી મોટા ભાગના પગાર પર થશે, જેના કારણે આ બંનેમાં યોગદાન વધશે. આ યોગદાન CTCમાંથી જ કાપવામાં આવતું હોવાથી, કર્મચારીના ખિસ્સામાં આવતો ચોખ્ખો પગાર ઘટી શકે છે. જો કે, તેનાથી નિવૃત્તિ માટેની બચત વધશે.

આમ લાંબા ગાળે ફાયદાકારક પણ ટૂંકા ગાળે કર્મચારી અથવા મજદૂર જે પગાર ઘરે જ લઈ જતો હતો અને જે ઉપર એનું આખા મહિનાનું બજેટ નભતું હતું તે હાથમાં આવતો પગાર ઓછો થઈ જશે. બીજું, લાંબા ગાળે આ બધી રકમ એની નિવૃત્તિ સમયે હાથમાં આવશે, જે એની બચત ગણી શકાય પણ ભારત જેવા દેશમાં જ્યાં ફુગાવાનો દર ઊંચો રહે છે ત્યાં આ આખાય રોકાણ પર મળનાર વળતરને વ્યાજદર તરીકે જોઈએ તો ફુગાવો બાદ કરતાં એ માંડ ત્રણથી ચાર ટકા હશે.

સાથોસાથ આ રકમ એના હાથમાં આવશે ત્યારે એનું ઐતિહાસિક મૂલ્ય અને ખરીદશક્તિ પણ ઘસાતી જતી હશે. આમ, તર્કની દૃષ્ટિએ સરકાર ભલે મોટી વાતો કરે, સરવાળે આનાથી કર્મચારી અથવા કામદારને ઝાઝો ફાયદો નથી એ સામે હાલ પૂરતું તેના હાથમાં આવતો પગાર ઘટી જવાને કારણે એને આર્થિક સંકડામણનો સામનો કરવો પડશે એ બાબત પણ સ્વીકારવી જ રહી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top