સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સુબિરથી ગેસનાં બાટલા (Gas Cylinders) ભરી ગામડે વિતરણ કરવા જઈ રહેલી પીકઅપ વાન (Pickup Van) સુબિરથી કરંજડાને જોડતા આંતરીક ધોરીમાર્ગમાં ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાનને જંગી નુકસાન થયુ હતુ. જોકે પીકઅપ વાનમાં ભરેલા ગેસનાં બાટલા લીકેજ નહીં થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતનાં બનાવમાં પીકઅપ વાનનાં ચાલક સહિત સવાર તમામનો ચમત્કારિક બચાવ થયો હતો.
ડાંગમાં અનાજનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ગયો
સાપુતારા : આહવાના સરકારી અનાજનાં ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરી પીપલદહાડ તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો જે પીપલદહાડથી ઝાડદર થઈ કરંજપાડાને જોડતા આંતરીક માર્ગમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટેમ્પો સહિત અનાજનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક સહિત તેમાં સવાર ઈસમોનો ચમત્કારિક બચાવ થયો હતો.
રજુઆત છતાં ડાંગના ચીંચલીનો બિસમાર માર્ગ રીપેર નહીં થતા લોકોને હાલાકી
સાપુતારા : ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામે ફળિયાઓનાં માર્ગો ખખડધજ થતા રીપેર કરવા માટે તાલુકા સદસ્ય દ્વારા જિલ્લા બાંધકામ શાખાને અરજી આપી હતી. પરંતુ અરજીને મહિનો થઈ ગયો હોવા છતાય રસ્તાઓ રીપેર નહીં થતા આગેવાનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીંચલી ગામે મેઈન રોડથી નિશાળ તરફ જતા આંતરીક માર્ગ પર ખાડાઓ પડી જતા આ માર્ગ ભયજનક બનવા પામ્યો છે. જે પરિસ્થિતિમાં આ માર્ગ પરથી પસાર થતા બાળકો અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. રસ્તો રીપેર કરવા માટે ચીંચલી તાલુકા સદસ્ય વિજય ચૌધરી દ્વારા જિલ્લા પંચાયતનાં બાંધકામ શાખાને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જે અરજીને હવે એક મહિનો થવા છતાંય આ રસ્તાનુ રીપેર કામ નહીં થતા ચીંચલી ગામનાં આગેવાનો રોષે ભરાયા હતા.
સોનગઢમાં અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં આધેડનું મોત
વ્યારા: સોનગઢ જે.કે.પેપર મિલનાં ગેટ પાસે ને.હા.નં.૫૩ના પુલીયા નીચે રોડ પર તા.૧૮/૦૯/૨૦૨૨ની મધ્યરાત્રીએ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે હંકારી સુરતનાં માંગરોળના ડુંગરી ફળિયામાં વડગામે રહેતા રવજી ઉબડા ચૌધરી (ઉં.વ.૬૩)ને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. રવજી ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.