ઘેજ: આલીપોર (Alipore) નેશનલ હાઇવે (National Highway) પર વલસાડ (Valsad) જઇ રહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોષના (Darshna Jardosh) કાફલાને અકસ્માત (Accident) નડ્યો હતો. કાફલાના જ ચાર વાહનો એકબીજા સાથે ભટકાયા હતા. જો કે વાહનોને નુકસાન થવા સાથે ખાસ કોઇને ઇજા થઇ ન હતી.
પ્રાપ્ત વિગત મુજબ નવસારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરી કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષનો કાફલો વલસાડ-વાપી તરફ જઇ રહ્યો હતો. તે દરમ્યાન બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં આલીપોર વસુધારા ડેરી સ્થિત હાઇવે ઓવરબ્રિજના છેડે દર્શનાબેનની ઇનોવા કાર જી.જે. 05 આરએમ 7300 ઉપરાંત બલેનો કાર જી.જે. 12 એફઓ 2744, એચઆર 38 ઝેડ 5299 તથા પોલીસ પાયલોટિંગની જી.જે. 18 પાસિંગવાળી જીપ સહિત ચાર વાહનો એકબીજા પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો અને આ તમામ વાહનોને નુકશાનને બાદ કરતા ખાસ કોઇને ઇજા થઇ ન હતી. જો કે દર્શનાબેનની કાર ટુંકા સમયમાં જ વલસાડ તરફ રવાના થઇ હતી. ઘટના સ્થળે ચીખલી પોલીસ પણ ધસી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
ધરમપુરમાં બાઈક ચાલકને ટક્કર મારી મોત નિપજાવી ભાગી ગયેલો ટેમ્પો ચાલક પકડાયો
ધરમપુર : ધરમપુર વલસાડ રોડ ઉપર સુવિધા હોસ્પિટલ નજીક સાંજે ટ્યુશન પતાવીને પોતાના ઘરે પરત થઇ રહેલા તરુણ ચિંડાન્સની બાઇકને વલસાડથી પુરપાટ ઝડપે ધરમપુર આવી રહેલો ટેમ્પો નંબર જીજે 15 એક્સ 7530 ના ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં બાઈકને ટક્કર મારતા સવાર ચિંડાન્સ રોડ પર પટકાયો હતો અને ટેમ્પોનું આગળનું ટાયર તેના શરીર પરથી ફરી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે અકસ્માત કર્યા બાદ ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો આ ઘટના અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા ધરમપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નંબર મેળવી તપાસ કરતા ટેમ્પોચાલક મનોજ છનું ગાવિતની ધરપકડ કરી છે. આ સાથે ટેમ્પો પણ પોલીસે કબજે લીધો છે.