કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી
રાજસ્થાનની યુવા અભિનેત્રી અને મોડેલ Harshil Kaliaનું સોમવારે (23 માર્ચ) દુઃખદ અવસાન થયું છે. જયપુરમાં મોડીરાત્રે થયેલી ભયાનક માર્ગ અકસ્માતમાં તેમનું મોત થતા સમગ્ર મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર આ અકસ્માત Shipra Path Road પર થયો હતો, જ્યાં હર્ષિલ કામ પરથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન તેમની કાર અચાનક બેકાબૂ થઈ ગઈ અને રોડના ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે કાર પલટી મારીને બાજુએ પડી ગઈ. CCTV ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અકસ્મત પછી આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને હર્ષિલને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પરંતુ ડૉક્ટરોએ તેમને હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જે તેમના મોતનું મુખ્ય કારણ બની.
પોલીસે ઘટના અંગે કેસ નોંધ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. અધિકારીઓ કારની સ્થિતિ, રોડની પરિસ્થિતિ અને અન્ય સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે.
કોણ હતી હર્ષિલ કલિયા? : Harshil Kalia રાજસ્થાનના મનોરંજન ક્ષેત્રમાં ઝડપથી ઉભરતી કલાકાર હતી. તેઓ વેબ સીરિઝ Crime Next Door તેમજ અનેક લોકપ્રિય રાજસ્થાની મ્યુઝિક વિડિઓઝમાં જોવા મળી હતી. તેમની સ્ક્રીન પ્રેઝન્સ અને અભિનયને કારણે તેઓ ખાસ કરીને યુવા દર્શકોમાં લોકપ્રિય બની રહી હતી.
અભિનયમાં પ્રવેશ કરતા પહેલા, હર્ષિલે મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમનો સારો પ્રભાવ હતો અને Instagram પર તેમની મોટી ફેન ફોલોઇંગ હતી. તેમના અચાનક નિધનથી મિત્રો, ચાહકો અને સહકલાકારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને પ્રતિભાશાળી અને મહેનતુ વ્યક્તિ તરીકે યાદ કરી રહ્યા છે.