સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસમાં (Selvas) એક કારમાં (Car) સવાર 6 યુવાન મોડી રાત્રે મોજ મસ્તી સાથે પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા. ત્યારે કાર રસ્તા (Road) પર ઉભેલી એક બસમાં (Bus) ધડાકા સાથે ઘૂસી જતાં ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત, 2 ગંભીર તથા 3 યુવાનોની હાલત સ્થિર છે. ધટનાની જાણ થતાં સેલવાસ પોલીસની (Police) સાથે પીપરીયા પોલીસના પોલીસ કર્મીઓ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા.
- કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની બાજુએ પાર્ક બસના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ
- અકસ્માતમાં કારનો ખુર્દો બોલી ગયો
- કારનો ચાલક તથા યુવાનો નશાની હાલતમાં હતા કે કેમ એ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી
સોમવારે મોડી રાત્રે સેલવાસના દયાત ફળિયાથી રીંગરોડ બાજુએ એક લાલ કલરની સેન્ટ્રો કાર નંબર DN-09-D-2170 માં 6 યુવાનો મોજ મસ્તી સાથે પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. ત્યારે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુએ પાર્ક બસ નંબર DN-09-D-2170 ના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી જતાં ગંભીર અકસ્માતમાં કારનો ખુર્દો બોલી ગયો હતો. ઘટના સર્જાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ સેલવાસ પોલીસની સાથે ઈમરજન્સી વિભાગને જાણ કરી હતી. જેને પગલે સેલવાસ પોલીસની સાથે પીપરીયા પોલીસના પોલીસ કર્મી દોડી આવ્યા હતા.
કારમાં ગંભીર ઈજા પામેલા યુવાનોને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન દયાત ફળિયામાં રહેતો 30 વર્ષીય પરિક્ષિત જિતેન્દ્ર સુરેવન નામના યુવાનનું મોત નિપજવા પામ્યું હતું. આ તરફ કારનો 21 વર્ષિય ચાલક અનિકેત બલી પવાર અને 19 વર્ષીય વિજય ગણેશ સિંહની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય મિત્ર આશિષ મોહન હળચટ, સુનિલ દયાત તથા ભાવેશ દિનેશ દયાતની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મોડી રાત્રે ક્રેનની મદદથી ખુર્દો બોલી ગયેલી કારને ખસેડી હતી. ત્યારે જે પ્રમાણે અકસ્માત સર્જાયો હતો એને જોતા કારનો ચાલક તથા યુવાનો નશાની હાલતમાં હતા કે કેમ એ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.