પલસાણા : કામરેજ (Kamrej) તાલુકાના વલથાણ ગામે જુના હળપતિ વસાહતમાં રહેતા અનિલભાઈ ભીખાભાઇ રાઠોડ (ઉ.38) ગામેગામ માછલી (Fish) વેચવાનો વ્યવસાય કરે છે. 5 મહિના અગાઉ અનિલભાઈએ મોટરસાઇકલ વેચાતી લીધી હતી એ લઈ મંગળવારના રોજ સાંજે 4 વાગ્યે મોટરસાઇકલ (GJ 05 GD 5658) લઈ બલેશ્વર ખાતે વેચવા માટેની માછલીઓ લેવા ગયા હતા, ત્યાંથી ઘરે પરત આવતા હતા ત્યારે બલેશ્વર ગામે ને.હા 48 હાઇવે ક્રોસ કરતી વખતે સંસ્કાર વિદ્યાસંકુલની સામે અમદાવાદથી મુંબઈ તરફ જતા બુલેટ GJ 19 BB 0001ના ચાલકે અનિલ રાઠોડની પ્લેટીના મોટરસાઇકલને ટક્કર મારતા અનિલભાઈને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા ઘટના અંગે મૃતકની પત્ની રંજનબેન રાઠોડે બુલેટના ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.
એસીડીટીની દવા લેવા નીકળેલા ગણદેવીના યુવકનું મોત
ગણદેવી : ગણદેવીના જલારામ મંદિર સામે સુગર ફેક્ટરી ચાર રસ્તા ઉપર બુધવાર મોડી સાંજે ટાટા ટેન્કર ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર યુવાનનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજ્યું હતું. જેને કારણે સર્કલ ઉપર બમ્પર મૂકવાની માંગ ઉઠી હતી.
ગણદેવી નાની તાઈવાડમાં રહેતો ચોત્રીસ વર્ષીય રિયાઝ અહમદ બુધવારે સાંજે એસીડીટીની દવા લેવા નીકળ્યો હતો. અને દવા લઈ સવા આઠેક કલાકના અરસામાં ઘરે પરત ફરતો હતો. તે દરમિયાન જલારામ મંદિર સામે ટાટા ટેન્કર નં.જીજે 21 વાય 0439 ના ચાલકે આ યુવાનના મોપડે નં.જીજે 15 ડી 1056 ને ટક્કર મારી હતી. તે દરમિયાન ટેન્કરનું તોતિંગ પૈડુ મોપેડ ચાલક રિયાઝ અહમદ મુલ્લાના માથા ઉપરથી ફરી વળ્યું હતું.
લોહીલુહાણ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ કરુણ મોત થયું હતું. બીજી તરફ અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થયો હતો. સમગ્ર મામલે મૃતકના પિતા અબ્દુલ મુનાફ અબ્દુલ હમીદ મુલ્લાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.