Gujarat

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં ઝડપાયેલા નાયબ મામલતદાર સામે 1.22 કરોડની અપ્રમાણસરની મિલકત વસાવવાનો ગુનો દાખલ કરતું એસીબી

ગાંધીનગર,
સુરેન્દ્રનગરમાં જમીન એનએ કરવાના અંદાજિત 1500 કરોડની જમીન કૌભાંડમાં તપાસ દરમ્યાન એસીબીએ હવે સસ્પેન્ડ કરાયેલા નાડબ મામલતદાર ચંન્દ્રસિંહ મોરી સામે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો ગુનો દાખલ કરી દીધો છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી વિરુદ્ધ ₹1,22,27,658 ની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવી દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોકલવામાં આવેલા પત્રના આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને જોતા લંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) ના નિયામક પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ એક SIT (Special Investigation Team) ની રચના કરવામાં આવી હતી.​​તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી ના. મામલતદાર ચંદ્રસિંહ મોરીએ વર્ષ 2013 થી 2025 ના સમયગાળા દરમિયાન પોતાની કાયદેસરની આવક કરતા 56.96% વધુ સંપત્તિ એકઠી કરી હતી. આ મિલકતો તેમણે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરીને વસાવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આરોપી નાયબ મામલતદાર હાલ ફરજ મોકૂફ (સસ્પેન્ડ) હેઠળ છે અને આ ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.આ કેસમાં અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ ગુના નોંધાયા હતા. જયારે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

Most Popular

To Top