SURAT

બીબીએ, બીસીએ અને લોની સરકારી કોલેજો શરૂ કરવા પર ABVP કામ કરશે

સુરત: 75 વર્ષ થતા અખિલ ભારતીય વિદ્યાર્થી (Student) પરિષદે છાત્રા હુંકાર સંમેલન યોજયું હતું. જેમાં બે હજારથી વધારે વિદ્યાર્થીઓએ છ પ્રસ્તાવ પાસ કર્યા છે. જેમાં બીબીએ, બીસીએ અને લોની સરકારી કોલેજો શરૂ કરવાની સાથે સાથે વરાછા અને લિંબાયતની સરકારી કોલેજોના પરિસરનું નિર્માણ તાત્કાલિક શરૂ કરવા પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કામ કરશે.

વર્ષ 1949માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના થઈ હતી. આમ, પરિષદના 74 વર્ષ પૂર્ણ થયા છે અને 75મું વર્ષ ચાલી રહ્યું છે. તેવામાં જ સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે 75માં વર્ષ થવા પર અડાજણ પ્રમુખ સ્વામી સભાગુહમાં છાત્રા હુંકાર સંમેલન યોજયું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોની સાથે સ્કૂલો, એન્જિનિયરિંગ અને આઇટીઆઇ સહિતની કોલેજો મળી બે હજારથી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉપરાંત પદ્મશ્રી મથુર સવાણી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.રાજેશ ડોડીયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

બે હજારથી વધારે વિદ્યાર્થીઓની હાજરીમાં 6 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા હતા. જેમાં બીબીએ, બીસીએ અને લોની સરકારી કોલેજો શરૂ કરાવવાની સાથે સાથે વરાછા અને લિંબાયતની સરકારી કોલેજોના પરિસરનું તાત્કાલિક નિર્માણ શરૂ કરવાના પ્રસ્તાવ પર વધારે ભાર આપવામાં આવ્યો હતો. છાત્રા હુંકાર સંમેલન પૂર્ણ થયા બાદ 2 હજારથી વધારે વિદ્યાર્થીઓએ અડાજણ બીએપીએસ મંદિરથી બેન્ડ સાથે શોભાયાત્રાનો પ્રારંભ કર્યો હતો. જે શોભાયાત્રા સીધી અડાજણ બસ સ્ટેશન સુધી ચાલી હતી. વિદ્યાર્થીઓની સાથે સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓએ શોભાયાત્રામાં ભારત માતા કી જય, વંદે માતરમ, એબીવીપી વિધાર્થી પરિષદ જિંદાબાદના નારા લગાડ્યા હતા.

પાસ કરાયેલા એબીવીપીના પ્રસ્તાવો

  • વરાછા અને લિંબાયતમાં સરકારી કોલેજોમાં પરિસરનું નિર્ણામ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવે
  • બીબીએ, બીસીએ અને લો સહિતના પ્રોગ્રામોની સરકારી કોલેજો શરૂ કરવામાં આવે
  • ખાનગી કોલેજોમાં વોકેશનલ કોર્ષના નામ પર ઉઘરાવાતી ફી પર નિયંત્રણ લાવવામાં આવે
  • તમામ કોલેજોના ફીના માળખામાં નિશ્ચિત કરવામાં આવે
  • સમરસ હોસ્ટેલમાં ભોજન અને પ્રાથમિક સુવિધાઓ વ્યવસ્થિત રીતે પૂરી પાડવામાં માટે સરકાર વિષેશ ધ્યાન આપે
  • વીએનએસજીયુમાં સંપૂર્ણ ખાનગી ધોરણે ચાલતા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામોમાં 60% સરકારી સી ફાળવવામાં આવે
  • સુરતમાં કોલેજના સમયમાં સ્ટુડન્ટ સ્પેશિયલ સિટી બસ દોડાવવામાં આવે
  • વીએનએસજીયુના વિભાગો અને કોલેજોમાં છાત્રસંઘની ચૂંટણી યોજવામાં આવે

Most Popular

To Top