ટી20 વર્લ્ડ કપ 2026માં અભિષેક શર્માનો ફ્લોપ શો: ગાવસ્કરનું સ્પષ્ટ કહેવું – “ખૂબ જ પ્રેડિક્ટેબલ બની ગયો”
ટી20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારત માટે સૌથી મોટા હથિયાર તરીકે જોવામાં આવતા Abhishek Sharmaનો બેટ હજુ સુધી શાંત છે. વિશ્વના નંબર-1 ટી20 બેટર તરીકે ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરનાર અભિષેક ત્રણ મેચમાં એકપણ રન બનાવી શક્યા નથી. માત્ર આઠ બોલ રમ્યા બાદ જ પેવેલિયન પરત ફરવું પડ્યું છે. ભારતનું ગ્રુપ તબક્કું પૂર્ણ થઈ ગયું છે અને હવે સુપર-8માં દક્ષિણ આફ્રિકા સામે મહત્વપૂર્ણ મુકાબલો છે, ત્યારે ટીમ માટે આ ચિંતાનો વિષય બન્યો છે.

અભિષેક પાસેથી પાવરપ્લેમાં તાબડતોબ રન અને વિરોધી બોલરો પર દબદબો જમાવવાની અપેક્ષા રાખવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી તેઓ તે અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી. આ પરિસ્થિતિ અંગે ભારતીય ક્રિકેટના દિગ્ગજ Sunil Gavaskarએ સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાય આપ્યો છે.Star Sports સાથેની ચર્ચામાં ગાવસ્કરે જણાવ્યું હતું કે અભિષેક પર અપેક્ષાઓનો બોજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. “જો તેને પહેલી મેચમાં જ સારો પ્રારંભ મળ્યો હોત તો પરિસ્થિતિ અલગ હોઈ શકતી. પરંતુ હવે નંબર-1 બેટર અને સિક્સ-હિટર તરીકેની ઓળખ જ તેની ઉપર દબાણ બની રહી છે,” એમ ગાવસ્કરે જણાવ્યું.
વધુમાં ગાવસ્કરનું માનવું છે કે અભિષેક હાલ ખૂબ જ “પ્રેડિક્ટેબલ” બની ગયો છે. તે શરૂઆતથી જ મોટા શોટ રમવાનો પ્રયાસ કરે છે, જેના કારણે બોલરો તેને સરળતાથી ફસાવી રહ્યા છે. ફિલ્ડ સેટિંગ અને બોલિંગ પ્લાન પહેલેથી તૈયાર હોવાથી અભિષેકને કાબૂમાં લેવું વિરોધી ટીમો માટે સરળ બની રહ્યું છે.ગાવસ્કરે સલાહ આપી કે અભિષેકે થોડો સમય ક્રીઝ પર પસાર કરવો જોઈએ. શરૂઆતમાં ચાર-પાંચ ડોટ બોલ આવે તો પણ ગભરાવાની જરૂર નથી. “તેની પાસે શોટ્સની વિશાળ રેન્જ છે. એકવાર સેટ થઈ જાય પછી તે થોડા જ બોલમાં મેચનો રુખ ફેરવી શકે છે,” એમ તેમણે ઉમેર્યું.
ભારત માટે હવે આગળનો દરેક મુકાબલો નિર્ણાયક છે. આવી સ્થિતિમાં ટોચના ક્રમના બેટરની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની જાય છે. ગાવસ્કરના શબ્દોમાં, “સ્માર્ટ ક્રિકેટ” રમવું સમયની માંગ છે ,પૂર્વનિર્ધારિત માનસિકતા છોડીને પરિસ્થિતિ મુજબ રમત ગોઠવવી જરૂરી છે.હવે નજર રહેશે કે અભિષેક શર્મા આ દબાણમાંથી બહાર આવી ફરી એકવાર પોતાના આગલા સ્વરૂપમાં જોવા મળે છે કે નહીં. ભારતને તેની વિસ્ફોટક બેટિંગની તાતી જરૂર છે.