SURAT

‘આપ’ના કાર્યકરે મહિલા કાર્યકતાના મેસેજ વાયરલ કરી દીધા: બદનામીની બીકે આપઘાતનો પ્રયાસ

સુરત : પાંડેસરામાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકર્તા (Worker) વચ્ચે ચાર હજાર રૂપિયાને લઇને માથાકૂટ થઇ હતી. આપની એક મહિલા કાર્યકતા (Lady worker)ના પતિ પાસે ચાર હજારની સામે વ્યાજ સાથે 10 હજારની રકમની માંગણી કરીને ધમકાવવામાં આવી હતી.

આપના એક કાર્યકતાએ આપની જ મહિલા કાર્યકતાને ધમકી આપી કે, તારા ઘરમાં ઘરવખરીના સામાનના પૈસા નથી અને સમાજમાં શું માથુ ઊંચુ કરીને ફરે છે’ બાદમાં આ મહિલાએ રૂપિયા પણ આપી દીધા હતા છતાં તેના મેસેજો વાઇરલ (Message viral) કરી દેતાં મહિલા કાર્યકતાએ ગોળીઓ ખાઇ તેમજ હાથમાં બ્લેડો મારીને આપઘાત (Suicide)નો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ભેસ્તાન આકાશ દર્શન સોસાયટીમાં રહેતા સપનાબેન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, છ મહિના પહેલા તેમણે ચૂંટણી પણ લડી હતી. દરમિયાન વોર્ડ નંબર-30ના કામ બાબતે તેઓ પાંડેસરાના જલારામ નગરમાં રહેતા અને આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલની સાથે મોબાઇલમાં વાત કરતા હતા. ત્યારે ગૌતમ પટેલે સપનાબેનને કહ્યું કે, ‘તારા પતિ અજયે આજથી દોઢ વર્ષ પહેલા મારી પાસેથી પૈસા લઇ ગયો છે, તારા ઘરમાં ઘર વખરીના પૈસા નથી અને તું શું માથુ ઊંચુ કરીને માર્કેટમાં ફરે છે’. આ બાબતે સપનાબેનએ પતિ રાજનાથને ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ બંને પતિ-પત્ની ગૌતમ પટેલની ઓફિસે મળવા માટે ગયા હતા. ત્યાં ગૌતમ પટેલે સપનાબેનને કહ્યું કે, તારા પતિએ ચાર હજાર લીધા હતા અને વ્યાજ સાથે 10 હજાર થાય છે તે પરત આપી દે.

તારા પતિએ વારંવાર પૈસા ન હોવાના મેસેજો પણ લખ્યા હતા. તે મેસેજો મારી પાસે છે અને તે વાઇરલ કરી દઇશ તો તારી રાજકીય કારકીર્દિ ખતમ થઇ જશે. સપનાબેનએ 4 હજારની સામે 10 હજાર કેવી રીતે હોઇ શકે..? તેમ કહેતા ગૌતમ ઉશ્કેરાયો હતો અને ગાળો આપીને ધમકાવવા લાગ્યો હતો. આખરે સપનાબેનએ 10 હજાર રૂપિયા આપી દીધા હતા અને પરત ઘરે ચાલ્યા ગયા હતા. બાદમાં ગૌતમ પટેલે રાજનાથ રાજપુતએ જે મેસેજો મોકલાવ્યા હતા તે મેસેજો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા. આ વાઇરલ કરેલા મેસેજનો સ્ક્રીનશોર્ટ પાડીને સપનાબેનને મોકલવામાં આવ્યો હતો.

આઘાતમાં આવેલી સપનાબેનએ પોતાના ઘરે જ એક સાથે 20 ગોળીઓ ખાઇ લીધી હતી અને ડાબા હાથમાં બ્લેડ મારી દીધી હતી. સપનાબેનને તાત્કાલીક હોસ્પિટલ લઇ જવાયા હતા અને બાદમાં ગૌતમ પટેલની સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top