આમ આદમી પાર્ટીના જાણીતા નેતા રાજુ કરપડા જેઓ છેલ્લા પાંચ વરસથી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા તેમ જ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા. તેઓએ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી હતી. પાર્ટીમાં તેઓને એક સક્રિય અને મેદાનમાં કામ કરનાર નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓએ કેજરીવાલને રાજીનામું ધરી દીધું છે. કડદા પ્રથાના મુદ્દે તાત્કાલિક આંદોલન શરૂ કરવાના કારણે તેઓ અગાઉ ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાને લઈને બોટાદ ખાતે પથ્થરમારા જેવી ઘટનાઓ પણ નોંધાઈ હતી. હાલ તેમણે પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા મારફતે જાહેર કર્યું છે. તેમના આ નિર્ણયથી રાજકીય વર્તુળમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે. ખાસ કરીને ખેડૂતો સાથે જોડાયેલા પ્રશ્નોમાં સક્રિય રહેલા નેતા તરીકે તેમની ઓળખ હોવાથી આ રાજીનામું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે, “જય કિસાન સાથીઓ… દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમ જ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું…! “
રાજુ કરપડા પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. તેઓ લાંબા સમયથી ખેડૂતોના મુદ્દાઓ ઉઠાવતા આવ્યા હતા અને ગામડાંના પ્રશ્નોને લઈને અનેક કાર્યક્રમો અને આંદોલનોમાં સક્રિય રહ્યા હતા. કેટલાક વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે પાર્ટીના અંદર કેટલાક મુદ્દાઓને લઈને મતભેદ હતા. જોકે રાજુ કરપડાએ પોતાના પત્રમાં સ્પષ્ટ રીતે કોઈ વિવાદ કે નારાજગીનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે માત્ર વ્યક્તિગત કારણો બતાવીને રાજીનામું આપ્યું છે. રાજુ કારપડા ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો વચ્ચે લોકપ્રિય હતા. ખેતી, પાક વીમા, પાણીની સમસ્યા અને સહાય જેવા મુદ્દાઓ પર તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા હતા. તેમના રાજીનામાથી ખેડૂતોમાં પણ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકો તેમના નિર્ણયને વ્યક્તિગત માનતા હોય, તો કેટલાક આ પાછળ રાજકીય કારણો હોવાની અટકળો લગાવી રહ્યા છે.
હાલમાં રાજુ કરપડા આગળ કઈ રાજકીય દિશામાં આગળ વધશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેઓ અન્ય પક્ષમાં જોડાશે કે રાજકીય વિરામ લેશે તે અંગે હજુ સુધી કોઈ જાહેર જાહેરાત કરવામાં આવી નથી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું છે કે સંગઠન મજબૂત છે અને એક વ્યક્તિના રાજીનામાથી પાર્ટીની ગતિ પર કોઈ મોટી અસર નહીં પડે. તેઓએ કાર્યકરોને એકજૂટ રહીને કામ કરવા અનુરોધ કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. આગામી સમયમાં રાજુ કરપડાનો નિર્ણય ગુજરાતની રાજનીતિમાં શું ફેરફાર લાવે છે તે જોવું મહત્વનું રહેશે. હાલ માટે તેમનું રાજીનામું રાજ્યની રાજકીય ચર્ચાનો કેન્દ્ર બન્યું છે.