તમારી જ અદાલત છે તમે જ ન્યાયાધીશ પણ છો, એ કહો કે તમારા દુર્ગુણ અને ગુણ કોણ જોશે ? તમારી પોતાની જ અદાલત હોય અને જજ પણ તમે જ હોવ તો પછી તમારા ગુણ અને દુર્ગુણ ઉપર પ્રકાશ કોણ પાડશે? જયાં ન્યાય કરવાનો છે ત્યાં ન્યાયાધીશ (મુંસિફ઼) અને ન્યાયાલય પણ તેના પક્ષમાં હોય, ત્યાં સારા અને નરસાનો ભેદ કોણ બતાવી શકે? કેટલીક વખત જેના પ્રત્યે આપણો પ્રેમ વધુ હોય ત્યાં પણ આવું બની શકે. જેની પાસે તમે અપેક્ષા રાખતા હોવ કે તમારી લાગણીને એ સમજે પરંતુ ત્યાં તમારી લાગણી ગૌણ બની જાય.
જયાં દુર્ગુણ કે ગુણ (એબ-ઓ-હુનર ) બતાવવાના હોય તે વ્યકિત જ તમારી વાતોને નજરઅંદાજ કરે તો તમે એ વાત બતાવો કોને ? પ્રિયજનની ફરિયાદ કરવી હોય તો પ્રિયજન સામે જ કરવી પડે પરંતુ જયારે એ તમારી વાતને ગણકારે નહીં ત્યારે તેની ફરિયાદ કોને કરવી ? ન્યાયાલય અને ન્યાયાધીશ પણ એ જ હોય તો તેની સારી વાતો કે તેની નહીં ગમતી વાતો કરવી કોને ? કેટલીક વખત એવું થતું હોય છે કે પ્રિયજનની કોઈ ફરિયાદ તમારે કરવી હોય ત્યારે તેની સામે પ્રસ્તાવ મૂકો પરંતુ તે સાંભળવા તૈયાર નહીં હોય. આવી વખતે ફરિયાદ થાય કે તમારી કોઈ વાત કરવી તો કોની સામે કરવી ? ખુદ તમારી જ અદાલત છે અને ન્યાયાધીશ પણ તમે છો.
તો તમારી ખૂબી અને ખામીઓ બતાવવી કોને ? આમ પણ પ્રેમમાં પ્રિયજનની ફરિયાદ આશિક કરી શકતો નથી. આશિકની હાલત એવી હોય છે કે તે જયારે પણ ફરિયાદ કરવા માટે કશુંક કહે ત્યારે તેની જ ફરિયાદ પ્રિયજન કરીને શાંત કરી દેવામાં આવે છે. આમ પોતાના મનની અદાલત ચલાવતા લોકો સામે તમે કશું કહી શકો નહીં. દરેક વખતે તમારે જ જવાબ આપવો પડે. તમારા સવાલોના જવાબ પણ તમારે જ આપવા પડે. પ્રિયજનની અદાલતમાં આશિકની કોઈ સુનાવણી થતી નથી.