ગાંધીનગર: પાટીદારોના ખભા પર ઊભી થયેલી આપ પાર્ટીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીની જાહેરાત કરવામાં આવતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આપ પાર્ટીને ઊભી કરવામાં મોટો ફાળો ગોપાલ ઈટાલિયાનો હતો પરંતુ પ્રદેશ પ્રમુખ ઈટાલીયાને સરવેના નામે બાજુ પર મુકી દેવામાં આવતાં હવે આપ પાર્ટીમાં આંતરિક ડખા શરૂ થાય તો નવાઈ નહીં. ઈશુદાન ગઢવીની પસંદગીને પગલે પાટીદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ઈશુદાન ગઢવીની પસંદગી આપને ભારે પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
- પાટીદારોના ખભે આપ પાર્ટીને ગોપાલ ઈટાલિયાએ ઊભી કરી હતી પરંતુ ઈટાલિયાને કોરાણે મુકી દેવામાં આવ્યા
- ગોપાલ ઈટાલિયાને ઈશુદાનની પસંદગી ગમી નથી, આગામી દિવસમાં પાર્ટીમાં આંતરિક ડખા થાય તેવી સંભાવના
રાજયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના મુ્ખ્યપ્રધાન પદના દાવેદાર તરીકે પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે સવારે ઈશુદાન ગઢવીની જાહેરાત કરી છે. ઈશુદાન ગઢવી આમ તો વ્યવસાયે પત્રકાર રહી ચૂકયા છે. એક જાણીતી ન્યૂઝ ચેનલમાં તેઓ પ્રજાને સ્પર્શતા મુદ્દાઓ પર મહામંથન કાર્યક્રમમમાં ડિબેટ કરતાં જોવા મળ્યા હતાં. આજે સવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહયું હતું કે પાર્ટીએ સર્વે કરાવ્યો હતો તેમાં 40 વર્ષીય ઈશુદાન ગઢવીને 73 ટકા મતો (16,48,500) મતો મળ્યા હતા.
ઈટાલિયાને કોરાણે મુકી દેવાયા
ગઢવી આમ તો દ્વારકા બાજુના પીપળીયા ગામના એક ખેડૂત પરિવારના પુત્ર છે. તેઓ ઓબીસી જ્ઞાતિમાંથી આવે છે. રાજયમાં ઓબીસી મતદારોનો હિસ્સો 48 ટકા જેટલો છે. ઈશુદાનની આંતરિક સ્પર્ધા પાર્ટીમાં ગોપાલ ઈટાલીયા સાથે હતી. ઈશુદાનની જાહેરાત હકીકતમાં ગોપાલ ઈટાલિયાને ગમી નથી. ખરેખર ભાજપ સામે ઝંડો ગોપાલ ઈટાલિયાએ ઉપાડ્યો હતો. આખા રાજ્યમાં જ્યાં આપના એકપણ કોર્પોરેટરો ચુંટાયા નહોતા ત્યારે સુરતમાં ગોપાલ ઈટાલિયાની મહેનતને કારણે 27 કોર્પોરેટરો ચૂંટાયા હતા. ગોપાલ ઈટાલિયા દ્વારા ગાંધીનગરમાં પણ મહાપાલિકાની ચૂંટણીમાં ભારે મહેનત કરવામાં આવી હતી. જોકે, હવે ગોપાલ ઈટાલિયાને કોરાણે મુકી દેવામાં આવ્યા છે.
આપની ઉમેદવારોની વધુ એક યાદી જાહેર
આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે. વધુ 21 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં જ 118 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. ત્યારે આજે વધુ 21 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહત્ત્વની બેઠકો એવી વિરમગામમાં કુંવરજી ઠાકોર, સુરત પશ્ચિમથી મોક્ષેશ સંઘવી, ઠક્કર બાપાનગરમાં સંજય મોરી, બાપુનગરથી સંજય દીક્ષિતને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આમ, અત્યારસુધીમાં AAP1 39 જેટલા ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.