SURAT

સુરતમાં AI વીડિયો કેસમાં AAP ઉમેદવાર શ્રવણ જોશીની પૂછપરછ દરમિયાન તબિયત લથડી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 26ના ઉમેદવાર શ્રવણ જોશીને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન તેમની તબિયત અચાનક બગડી ગઈ અને તેઓ બેભાન થઈ ગયા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓએ તેમને ઊંચકી પોલીસ સ્ટેશન બહાર લાવ્યા હતા, જેના દૃશ્યો પણ સામે આવ્યા છે. આ મામલો એક AI વીડિયો વિવાદ સાથે જોડાયેલો છે. પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટિંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો, અને અન્ય વિવાદિત દ્રશ્યો ઉમેરવામાં આવ્યા હતા, જે બાદ મામલો ગંભીર બન્યો.ફરિયાદના આધારે પોલીસે શ્રવણ જોશીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં લગભગ ત્રણ કલાક સુધી પૂછપરછ ચાલી. આ દરમિયાન તેમની તબિયત લથડવા લાગી, પરસેવો આવ્યો અને તેઓ અચાનક ખુરશી પરથી પડી બેભાન થઈ ગયા. આ ઘટનાથી પોલીસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ. રસપ્રદ બાબત એ છે કે, જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં શ્રવણ જોશીને વોર્ડ 26માંથી સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આવી ઘોષણાએ ઉજવણીનો માહોલ સર્જાય છે, પરંતુ અહીં પરિસ્થિતિ સંપૂર્ણ વિપરિત રહી હતી. તેઓ ઉજવણી કરવાની જગ્યાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, શ્રવણ જોશી સામે આ ત્રીજો કેસ છે. અગાઉ ખંડણી સંબંધિત બે કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, તે મામલામાં હાઈકોર્ટ તરફથી તેમને રાહત મળી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. AI ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરીને બનાવાયેલા કન્ટેન્ટને લઈને આ કેસ મહત્વપૂર્ણ બની રહ્યો છે અને આવનારા સમયમાં આવા કેસો સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

Most Popular

To Top