Columns

આમિર ખાન અને અક્ષયકુમાર બોલિવૂડને ઉગારી શક્યા નહીં!

મિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ અને અક્ષયકુમારની ‘રક્ષા બંધન’ તેમની એક અભિનેતા તરીકેની શાખ ઓછી કરી રહી છે. પોતાના પાત્રના અભિનય માટે પરફેક્ટ રહેનારો આમિર આ વખતે ‘લાલ’ ના રૂપમાં થાપ ખાઇ ગયો છે અને કોઇ પાત્ર માટે મહેનત ન કરવામાં માનતો અક્ષયકુમાર સામાન્ય માણસ ‘લાલા’ જેવો દેખાતો નથી. એ અક્ષયકુમાર જ દેખાય છે. બંને ઘણી જગ્યાએ ઓવરએક્ટિંગના શિકાર થયા છે. આમિર ખાન ઘણા દ્રશ્યોમાં ‘ધૂમ ૩’ કે ‘PK’ ની યાદ અપાવે છે. જ્યારે નાના આમિર તરીકે બાળ અભિનેતા અહમદ ઉમરે વધુ સારું કામ કર્યું છે.

બંને ‘એ.કે.’ પણ બોલીવૂડની અત્યારની ખરાબ સ્થિતિમાં મદદરૂપ થઇ શક્યા નથી. રૂ.૧૮૦ કરોડની ‘લાલસિંહ ચઢ્ઢા’ ને બોક્સ ઓફિસ પર ૪ દિવસમાં રૂ.૩૮ કરોડની જ કમાણી થઇ શકી છે. જે આમિરની કારકિર્દીની સૌથી ઓછી શરૂઆત છે. કેમકે ‘લાલસિંહ ચઢ્ઢા’ નો બૉયકોટ શરૂ થયો હતો. એ ઉપરાંત સમીક્ષકોના મિશ્ર પ્રતિભાવને કારણે દર્શકોએ નિર્દેશક અદ્વૈત ચંદનના નિર્દેશનમાં રસ બતાવ્યો નથી. બીજી તરફ અક્ષયકુમારની છેલ્લી કેટલીક ફિલ્મોની નિષ્ફળતા પછી દર્શકો એના પર ભરોસો કરતા ખચકાય છે.

આમિરે ‘ફોરેસ્ટ ગમ્પ’ ની રીમેક બનાવવાની જાહેરાત કરીને જ નિરાશ કર્યા હતા. જે ફિલ્મના માત્ર અધિકાર ખરીદવા માટે આઠ વર્ષ સુધી મહેનત કરી હતી એની સ્ક્રીપ્ટ પર ધ્યાન આપ્યું નથી. અને જ્યારે પણ કોઇ રીમેક બને છે ત્યારે એની સાથે સરખામણી શરૂ થઇ જાય છે. જાણકારોનું માનવું છે કે જે દ્રશ્યો અને બાબતોને કારણે ‘ફોરેસ્ટ ગમ્પ’ ને ઓસ્કર એવોર્ડસમાં સન્માન મળ્યું હતું એને જ તેના ભારતીયકરણમાં રાખવામાં આવ્યા નથી. આમિરનું પાત્ર ‘ફોરેસ્ટ ગમ્પ’ ના હીરો જેટલું મજબૂત અને ઇમોશનલ બની શક્યું નથી.

કરીનાએ ભજવેલું પાત્ર મૂળ ફિલ્મમાં ઘણું મહત્વનું હતું. ફિલ્મમાં કરીનાએ પોતાની ભૂમિકા ભજવી બતાવી છે પણ એ ના હોત તો પણ ફરક પડ્યો ના હોત. કેટલાંક બિનજરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે જેની જરૂર જ ન હતી. દરેક ફિલ્મમાં ભારત- પાકની વાત ઘૂસાડવાનું સામાન્ય બની ગયું છે. આર્મીમાં પ્રવેશ મેળવવો સામાન્ય વાત હોવાનું બતાવાયું છે. આમિરે અતુલ કુલકર્ણી પાસે બેઠ્ઠી નકલ કરાવી નથી પણ મૂળ ફિલ્મ કરતાં ૪૦ મિનિટની અવધિ વધી ગઇ છે. ફિલ્મને કાપવામાં આવી હતી છતા વાર્તાને ખેંચવામાં આવી હોવાનું લાગે જ છે.

ફિલ્મનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ એ જ ગણાય છે. આમિરે ફિલ્મને ડોક્યુમેન્ટ્રી ડ્રામાના રૂપમાં બનાવી દીધી છે. આમિરની છેલ્લી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ પછી ચાર વર્ષે કોઇ ફિલ્મ આવી હોવા છતા આકર્ષી શકી નથી. ઘણા સમીક્ષકોએ આમિરના પ્રયાસને બિરદાવ્યો છે પરંતુ તેણે ખામીઓ તરફ ધ્યાન આપ્યું ના હોવાથી ટીકા વધારે થઇ રહી છે. આમિર એક પાકિસ્તાનીને બચાવે છે અને પછી એના પર પોલીસની તપાસ કે કોઇ કાર્યવાહી થતી નથી એ વાત હજમ થાય એવી નથી. સતત બીજી વખત તેની ફિલ્મની સ્ક્રીપ્ટની નબળાઇઓ ઉડીને આંખે વળગે એવી છે. કરુણતા એવી છે કે ફિલ્મમાં સતત ભાગતા રહેતા લાલસિંહને પણ ખબર નથી કે તે કેમ ભાગી રહ્યો છે! એટલું જ નહીં ભાગતા લાલસિંહને મીડિયાનું કવરેજ મળ્યું હોવા છતાં ટ્રેનમાં પોતાની વાત કરતા લાલને કોઇ ઓળખતું નથી! ફિલ્મમાં પંજાબી ભાષાના વધારે પડતા ઉપયોગથી આમિર બિનપંજાબી દર્શકોને એની સાથે જોડી શકતો નથી.

 આમિર કરતા અક્ષયકુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ સાથે દર્શકો વધારે જોડાણ અનુભવી શકે છે. એમાંની ભાઇ-બહેનના પ્રેમની વાત દર્શકોની આંખો ભીની કરી શકવા સક્ષમ છે. પરંતુ તહેવાર હોવા છતા દર્શકોએ નિર્દેશક આનંદ એલ. રાયની આ ફિલ્મને સારો પ્રતિભાવ આપ્યો ન હોવાથી રૂ.૮૦ કરોડની ફિલ્મ ૪ દિવસમાં રૂ.૨૮ કરોડ કમાઇ શકી છે. અક્ષયકુમારની નિષ્ફળ ફિલ્મોની આ સિક્સર છે. અક્ષયકુમાર ધડાધડ ફિલ્મો કરતો હોવાથી સ્ક્રીપ્ટ પર બહુ ધ્યાન આપી શકતો નથી પરંતુ નિર્દેશક આનંદ એલ. રાયથી ઘણી ચૂક થઇ ગઇ છે. કેટલાંય ટ્રેક્સ કોઇ કારણ આપ્યા વગર બતાવવામાં આવ્યા છે.

એક તરફ છોકરીઓ પાસે દહેજ માગવાની પ્રથાનો વિરોધ બતાવાયો છે તો બીજી તરફ અક્ષયકુમારને એક સંવાદમાં એમ કહેતો બતાવાયો છે કે છોકરીઓએ ભણીને પગભર થઇ છોકરાઓ પાસેથી દહેજ માગવાની સ્થિતિમાં આવવું જોઇએ. ઇન્ટરવલ પછી ફિલ્મ ઝડપથી ભાગે છે. તેથી કેટલીક મહત્વની વાતો મામૂલી બની જાય છે. અક્ષયકુમારની પ્રેમિકા તરીકે ભૂમિ પેડનેકરે સારું કામ કર્યું છે. ફિલ્મોમાં હીરો- હીરોઇન સાથે સહાયક કલાકારોનું મહત્વ વધી રહ્યું છે. ચાર બહેનોએ પણ પોતાની ભૂમિકા ભજવી બતાવી છે. અલબત્ત અક્ષયકુમાર સતત સ્ક્રીન પર રહેતો હોવાથી બધાંને ઓછો સમય મળ્યો છે. હિમેશ રેશમિયાનું સંગીત સારું છે. ‘ધાગોં સે બાંધા’ ગીત વધારે પ્રભાવિત કરે છે.

Most Popular

To Top