ગોંડલ શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘોઘવદર રોડ પર આવેલી સરગમ પાર્ક સોસાયટીમાં આમ જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ અંગે ગયેલા આમ આદમી પાર્ટીની મહિલા નેતા જીગીશા પટેલ પર અજાણી મહિલાઓના ટોળાએ અચાનક હુમલો કર્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. સોસાયટીની કેટલીક મહિલાઓએ પાણીની અછત, ખરાબ રોડ-રસ્તા અને કચરાના નિકાલ જેવી પાયાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જીગીશા પટેલને ફોન કરીને બોલાવ્યા હતા. સ્થળ પર પહોંચી તેમણે મહિલાઓની વાતો સાંભળવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન અચાનક વાતાવરણ ગરમાયું અને અન્ય વિસ્તારની કેટલીક અજાણી મહિલાઓનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. મહિલાએ પથ્થર મારી કાચ ફોડ્યો અને લાફા મારવા લાગી હતી, ડ્રાઇવરે સમયસૂચકતા દાખવી ગાડી ભગાવી હતી.
આ મહિલાઓએ પહેલા ઉગ્ર બોલાચાલી કરી અને ત્યારબાદ પરિસ્થિતિ બેકાબૂ બનતા પથ્થરમારો શરૂ કર્યો હતો. હુમલામાં જીગીશા પટેલની કારના કાચ તૂટી ગયા હતા અને તેમને શરીરે ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસનો કાફલો હોસ્પિટલ તેમ જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં હુમલો પૂર્વ આયોજિત હતો કે નહીં અને તેની પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે કે કેમ, તે અંગે તપાસ હાથ ધરાઈ છે. હાલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. હુમલાની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.