રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ ગામ નજીક રખડતા ઢોરના વધતા આતંક વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક યુવક પર ઢોરે હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરને પકડવા માટે કડક નિર્દેશો આપ્યા બાદ શહેરોમાં કાર્યવાહી તેજ થઈ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. મળતી માહિતી મુજબ, પીડિત યુવક પોતાના કામ માટે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક એક રખડતું ઢોર તેની પર તૂટી પડ્યું. આ હુમલો એટલો જોરદાર હતો કે યુવકને નીચે પટકાઈ ગયો અને ઢોરે સતત તેને અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઢોરનો આ હુમલો લગભગ 15થી 20 મિનિટ સુધી ચાલ્યાનું કહેવાય છે, જેના કારણે યુવકની હાલત ગંભીર બની ગઈ. આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને ઢોરને દૂર હંકારવાનો પ્રયાસ કર્યો અને અંતે યુવકને તેની ચુંગાલમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સ્થિતિ અંગે વધુ માહિતી સામે આવી નથી, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાવી દીધી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે કોટડા સાંગાણી, શાપર-વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. હાઇવે અને આંતરિક રસ્તાઓ પર ઢોર બેસી રહેતા હોવાના કારણે વાહનચાલકોને પણ મોટું જોખમ ઉભું થઈ રહ્યું છે.
લોકોનો આક્ષેપ છે કે શહેરોમાં કાર્યવાહી થતી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર પૂરતું ધ્યાન આપતું નથી. તેઓએ તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે રખડતા ઢોરનો પ્રશ્ન માત્ર શહેરો પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોના જીવ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આવી ઘટનાઓમાં વધારો થવાની સંભાવના નકારી શકાય નહીં.