ભરૂચ: દક્ષિણ આફ્રિકામાં (South Africa) રોજગારી માટે સ્થાયી થયેલા ગુજરાતી યુવાનો ઉપર હુમલાની વારંવાર ઘટના બનતી રહે છે અને અનેક ભારતીયો(Indian) આવા હુમલામાં મૃત્યુ પામે છે. જેના કારણે દક્ષિણ આફ્રિકામાં બનતી આવી ઘટનાઓને લઈને ગુજરાતમાં રહેતા પરિજનો ખબરો સાંભળીને ચિંતાતુર બની જાય છે. હાલમાં દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી ઉપર સ્થાનિકોના હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં (Attack) ભરૂચના (Bharuch) યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા નજીકના એક ટાઉનમાં અકસ્માત જેવી સામાન્ય તકરારની ઘટના બની હતી. બે લોકો વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર સામાન્ય ટક્કરની વાત મારા-મારી સુધી પહોંચી હતી. મૂળ ગુજરાતી યુવાન આસિફ લિયાકતની કારની ટક્કર દક્ષિણ આફ્રિકાના સ્થાનિક નાગરિક સાથે અથડાતાં સ્થાનિકોએ આસિફને માર માર્યો હતો.
- ભરૂચના મનુબર ગામના યુવાનની હત્યાથી માદરે વતનમાં પરિજન શોકાતુર
- વાહન અકસ્માતની નજીવી ટક્કરનો મામલો મારા-મારી અને તીક્ષ્ણ હથિયારના હુમલા સુધી પહોંચ્યો
સ્થાનિકો સાથે અકસ્માતની સામાન્ય ઘટનામાં સ્થાનિક યુવાનો ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત ઉપર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. સ્થાનિક અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચેની મારામારી ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુકી હતી. તકરાર દરમિયાન ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્તને છરીના ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો અને તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજનો ભારતીયો ઉપર વધતી હુમલાની આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે. તેઓ ભારત સરકાર આ મામલે જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.
6 મહિના અગાઉ ભરૂચના જબુંસરના યુવાન પર હુમલો કરાયો
હાલથી 6 મહિના અગાઉ આફ્રિકામાં રહેતા ભરૂચના જંબુસરના જુબેર પટેલ નામના યુવકની લૂંટ કરવા માટે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ભરૂચનો જુબેર પટેલ ઉર્ફ જુબેર દેગ રોજગારી માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ગયો હતો. જ્યા તે ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં નોકરી કરતો હતો. સોમવારે નિગ્રો લૂંટના ઈરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા, જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. નિગ્રો હથિયારો સાથે આવી પહોંચતા નાસભાગ મચી હતી, જેના કારણે નિગ્રોએ ગોળીબાર ર્ક્યો હતો. જેમાં જુબેર પટેલને ગોળી વાગતા મોત નિપજ્યું હતું.