સુરતમાં ગેસ ના બાટલાં લેવા માટે લોકો લાઈનમાં ઉભા રહેવા મજબુર
સુરત શહેરમાં વૈશ્વિક સ્તરે ઉભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની સીધી અસર હવે સામાન્ય લોકોના જીવન પર જોવા મળી રહી છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેસની અછત સર્જાતા ગેસ એજન્સીઓ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો લાંબી લાઈનોમાં ઊભા રહી પોતાના વારો આવાની રાહ જોઈ રહ્યા છે.

ખાસ કરીને પાંચ કિલોના ગેસ બાટલાં માટે ભારે માંગ ઊભી થઈ છે. ઘરગથ્થુ ઉપયોગ માટે હવે આ નાના બાટલાં જ લોકોનો મુખ્ય સહારો બન્યા છે. લોકો લાઈટબિલ, આધાર કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ગેસ એજન્સી પર પહોંચી રહ્યા છે, પરંતુ પુરવઠો ઓછો હોવાના કારણે દરેકને ગેસ મળવો મુશ્કેલ બની રહ્યો છે.
લાઈન માં ઉભા રહેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ,લોકો એ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે પાંચ કિલોનો એક ગેસ બોટલ આશરે 1500 રૂપિયામાં મળી રહ્યો છે, જેને કારણે સામાન્ય લોકો પર આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. લાઈનમાં ઊભેલા લોકોમાં આ સ્થિતિને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોનો આક્ષેપ છે કે ગેસના પૂરતા પુરવઠા ન હોવાથી તેઓને કલાકો સુધી રાહ જોવી પડે છે અને છતાં પણ ખાલી હાથે પરત ફરવું પડે છે.
સંચાલકો ના મતે દરરોજ લગભગ 300 બોટલ જ સપ્લાયમાં આવી રહ્યા છે, જ્યારે માંગ તેની તુલનામાં ઘણી વધારે છે. પરિણામે, લોકો વચ્ચે ગેસ મેળવવા માટે હોડ લાગી ગઈ છે. આ સ્થિતિને કારણે અનેક પરિવારો માટે રોજિંદું જમવાનું બનાવવું પણ મુશ્કેલ બની ગયું છે. શહેરમાં ગેસની અછત ગંભીર રૂપ લેતી જોવા મળી રહી છે, હવે આ લાઈનો પ્રશાસન માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે.ગેસ ની અછત ને લઈને લોકો સરકાર પાસે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.