છેલ્લા કેટલાક વર્ષોમાં પાણીની તંગી એ આખા વિશ્વ માટે એક મોટી ચિંતાનો વિષય છે. તેમાં પણ ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં તો પીવાના અને રોજીંદા વપરાશ માટેના પાણીની તંગી વધુ ગંભીર છે અને દિવસે દિવસે આ કટોકટી વધુ ગંભીર બનતી જાય છે. વધુ પડતી વસ્તી, વ્યાપક બનેલા ઔદ્યોગિકરણને કારણે દેશમાં પાણીનો વપરાશ ખૂબ વધ્યો છે. બોરવેલના વધેલા પ્રચલન પછી દેશમાં ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટી ગયું છે. કૂવા જેવા સ્ત્રોતોમાં પણ પાણી ઘટી ગયું છે અને ઘણા તળાવો સૂકાઇ ગયા છે. વરસાદની વધેલી અનિયમતિતા અને વરસાદના ઘટેલા પ્રમાણ અને પાણીના બેહદ વધેલા વપરાશ સહિતના પરિબળોને કારણે દેશની અનેક નદીઓ સૂકી થઇ ગઇ છે.
કેટલીક નદીઓની સ્થિતિ તો એવી છે કે વર્ષના મોટા ભાગના મહિનાઓ દરમ્યાન તેમનો માત્ર સૂકો પટ જ દેખાય છે. માત્ર ચોમાસામાં, વરસાદી દિવસોમાં જ આ નદીઓમાં થોડુ ઘણુ પાણી દેખાય છે. આપણા ગુજરાતમાં પણ અનેક નદીઓની આવી હાલત છે. બીજી બાજુ કેટલાયે નદી, નાળા એવા છે કે જે ઉદ્યોગોમાંથી ઠલવાતા કચરાને કારણે, રસાયણોને કારણે ભારે પ્રદૂષિત થઇ ગયા છે. આ બધી તકલીફો વચ્ચે હાલ એવા અહેવાલ આવ્યા છે કે ભારત માટે ઘણી જ મહત્વની એવી કેટલીક હિમાલયમાંથી નીકળતી નદીઓના જળ પ્રવાહમાં આગામી સમયમાં ઘટાડો થઇ શકે છે એવી ચેતવણી ખુદ યુએનના મહામંત્રીએ આપી છે.
યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું છે કે મોટી હિમાલયન નદીઓ જેવી કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા, કે જે ભારત માટે ઘણી જ મહત્વની નદીઓ છે તેમના જળ પ્રવાહમાં ઘટાડો થઇ શકે છે કારણ કે હિમશીલાઓ અને બરફના સપાટીઓમાં ગ્લોબલ વૉર્મિંગને કારણે આગામી દાયકાઓમાં ઘટાડો થઇ શકે છે. ગ્લેશિયરો પૃથ્વી પરના જીવન માટે મહત્વના છે. અનેક સદીઓ દરમ્યાન તેમણે વસવાટલાયક ભૂમિઓનું સર્જન કર્યું છે.
આજે તેઓ વિશ્વના દસ ટકા ભાગને આવરી લે છે. ગ્લેશિયરો વિશ્વના વૉટર ટાવરો છે એમ ગુટેરેસે હાલમાં ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર પ્રિવેન્શન માટેના એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું. ગુટેરેસે એ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી કે માનવીય પ્રવૃતિઓએ આ ગ્રહનું તાપમાન ભયજનક સ્તરે વધારી દીધું છે અને આ ગ્લેશિયરો પીગળી રહ્યા છે. એન્ટાર્ક્ટિકા દર વર્ષે ૧૫૦ ટન બરફનો જથ્થો ગુમાવી રહ્યો છે જ્યારે ગ્રીનલેન્ડની બરફની ચાદર તો તેનાથી પણ વધુ ઝડપે પીગળી રહી છે અને ત્યાં વર્ષે ૨૭૦ અબજ ટનના ધોરણે બરફ પીગળી રહ્યો છે.
ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો બરફ પીગળવાથી દુનિયામાં સમુદ્રોની સપાટી વધે છે તે તો ઘણી ચર્ચાયેલી બાબત છે પરંતુ ઘણા ગ્લેશિયરો કે હિમશીલાઓ તાજા પાણીના મોટા સ્ત્રોત છે અને તેમના પીગળવાથી, નષ્ટ થવાથી ભવિષ્યમાં પાણીની તંગીમાં ઉમેરો થઇ શકે છે તે બાબતે યુએનના મહામંત્રીએ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે. એશિયામાં દસ મોટી નદીઓ હિમાલયન પ્રદેશમાંથી ઉદભવે છે અને તે તેના કાંઠા અને આજુબાજુના વિસ્તારોના ૧.૩ અબજ લોકોને તાજુ પાણી પુરું પાડે છે.
જ્યારે ગ્લેશિયરો અને બરફની ચાદરો આગામી દાયકાઓમાં ઘટવાનું ચાલુ રહેશે તો મોટી હિમાલયન નદીઓ જેવી કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા તેની અસર અનુભવશે – તેમના જળ પ્રવાહમાં ઘટાડો થશે એમ ગુટેરેસે કહ્યું હતું, જેમણે વધુમાં એ પણ કહ્યુ હતું કે હિમાલયના વિસ્તારના બરફ પીગળવાની કેવી અસરો થઇ શકે છે તે પાકિસ્તાનમાં વકરેલા પૂરના સ્વરૂપમાં વિશ્વે જોઇ લીધું છે. ગુટેરેસે વિશ્વ હવામાન સંગઠનના આંકડાઓ ટાંકીને એમ પણ જણાવ્યું હતું કે બરફ પીગળવાને કારણે દુનિયામાં સમુદ્રોની જળ સપાટીમાં કઇ રીતે ૧૯૦૦ના વર્ષથી અગાઉના ૩૦૦૦ વર્ષની અગાઉની અન્ય કોઇ પણ સદી કરતા વધુ ઝડપથી વધારો થયો છે.
હિમાલયમાંથી નીકળતી કેટલીક નદીઓ, ખાસ કરીને ગંગા અને બ્રહ્મપુત્રા વિશાળ જળરાશી ધરાવતી નદીઓ છે. આ નદીઓના કાંઠે સદીઓથી વિશાળ માનવ વસ્તી વસતી આવી છે અને એક ધબકતુ જીવન આ નદીઓના કાંઠે અસ્તિત્વ ધરાવે છે. આ નદીઓ વિશાળ જળસ્ત્રોત તો છે જ પરંતુ ભારત અને બાંગ્લાદેશમાં તેઓ જળ પરિવહન માટેનો પણ એક અગત્યનો સ્ત્રોત છે. ઘણી જગ્યાએ નાના દરિયા જેવી દેખાતી આ નદીઓમાં વિશાળ હોડીઓ અને નાના કદના જહાજો પણ માલ પરિવહન માટે ચાલે છે.
જો આ નદીઓમાં જળ પ્રવાહ ખૂબ ઘટી જાય તો પાણીની કેવી ભયંકર તંગી કેટલી મોટી વસ્તીને ભરડો લઇ લે તે કલ્પના પણ ધ્રુજાવનારી છે તો બીજી બાજુ જળ પરિવહનને પણ મોટી અસર થઇ શકે તેમ છે. માણસ જાતની મૂર્ખાઇઓ તેને માટે કેવી મુશ્કેલીઓ ઉભી કરી રહી છે તેનું ઉદાહરણ આવી નદીઓનો ઘટતો જળ પ્રવાહ પણ છે. જો માણસ પોતાની ભૂલો સુધારશે નહીં અને પ્રદૂષણ બેરોકટોક વધવા દેશે તો ભવિષ્યમાં તેણે ઘણા ભયંકર સંજોગોનો સામનો કરવો પડશે તે નક્કી છે.