કહેવાય છે કે મોત (DEATH)નો કોઈ ભરોષો નથી હોતો ક્યારે કઈ રીતે કયા સ્વરૂપમાં આવી જાય તેની કોઈને ખબર હોતી નથી, આવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાં બનવા પામી છે. સચીનમાં નવનિર્મિત ઘરમાં નવો તૈયાર થતો પોતાનો રૂમ જોવા ગયેલા 12 વર્ષના બાળકના હાથમાંનો લોખંડનો સળિયો ઇલેક્ટ્રિક વાયર સાથે અડી જતાં જોરદાર કરંટ લાગતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
સુરત : સચીનના પાલીગામમાં કૈલાસનગરમાં રહેતા જયપ્રકાશભાઇ મિશ્રા કરિયાણાનો સ્ટોર ચલાવે છે. તેઓને સંતાનમાં 12 વર્ષનો એક પુત્ર (12 YEAR OLD CHILD) આયુષ હતો. તેઓ પોતાના ઘરની બાજુમાં જ બીજું મકાન બનાવી રહ્યા છે અને તેમાં આયુષનો એક અલગથી રૂમ બનાવતા હતા. દિવસના ત્રણથી ચાર વાર રૂમની મુલાકાત લેતો આયુષ ગુરૂવારના સાંજના સમયે ફરી રૂમ પર ગયો હતો. તેના હાથમાં એક લોખંડનો સળિયો હતો. ગૂરૂવારે સાંજે અચાનક જ હાઇટેન્શન લાઇનમાં ધડાકા થયા હતા અને તણખલા ઉડ્યા હતા.
પરિવારજનોએ તુરંત દોડીને જોયું ત્યારે આયુષ નીચે બેભાન હાલતમાં પડ્યો હતો. આયુષના હાથમાં લોખંડનો સળિયો હતો અને તે હાઇટેન્શન ઇલેક્ટ્રિક વાયર (ELECTRIC WIRE)ની સાથે અડી જતા કરંટ લાગ્યા બાદ નીચે પડ્યો હતો. આયુષને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરોએ આયુષને મૃત જાહેર કર્યો હતો.
જે રૂમમાં રહેવાનું આયુષે સપનું જોયું તે જ રૂમમાં તેને મોત મળી ગયું
આયુષના પિતા (FATHER)ના કહેવા પ્રમાણે, નવા બનતાં રૂમને જોવા માટે આયુષ અવારનવાર આ રૂમમાં જતો હતો. પરિવારને કહેતો હતો કે તે આ રૂમમાં રહેશે તો કેવી મજા આવશે? પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. જે રૂમમાં આયુષ રહેવાના સપના જોતો હતો તે રૂમમાં જ તેને મોત મળ્યું હતું.
પરિવારે એકનો એક લાડકવાયો ગુમાવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ પરિવારમાં એકનો એક પુત્ર હતો અને તેની માટે નવો રૂમ તૈયાર થઇ રહ્યો હતો. આયુષ બાદ તેની નાની બહેન છે. જો કે, આયુષના મોતને લઇને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસે (SACHIN GIDC POLICE) વધુ તપાસ હાથ ધરી છે.