National

રાજસ્થાનના ટીચર દંપતીએ કર્યો 9 કરોડ 31 લાખનો ગોટાળો, સરકાર પણ ચોંકી

બારાં: રાજસ્થાનમાં (Rajasthan) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેણે દેશભરના શિક્ષણ વિભાગમાં (Education Department) હોબાળો મચાવી દીધો છે. વાસ્તવમાં રાજસ્થાનની ભાજપ (BJP) સરકાર રાજ્યના બે સરકારી શિક્ષકો પાસેથી 9 કરોડ, 31 લાખ, 50 હજાર 373 રૂપિયા વસૂલવા જઇ રહી છે. આ મોટી રકમ વસૂલવા માટે શિક્ષણ વિભાગે પોલીસ સ્ટેશનમાં (Police Station) કેસ નોંધાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના બારાં જિલ્લામાં સદર પોલીસ સ્ટેશનમાં 9 કરોડ 31 લાખ 50 હજાર 373 રૂપિયાની વસૂલાત માટે એક શિક્ષક દંપતી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, આ દંપતીએ તેમની જગ્યાએ ડમી શિક્ષકને મોકલી આ ગોટાળો કર્યો હતો. શિક્ષણ વિભાગના સુંદલક પીઇઓ અનિલ ગુપ્તાએ આ અંગે કેસ નોંધાવ્યો હતો. આ શિક્ષક દંપતી 20 વર્ષથી વધુ સમયથી સરકારી પ્રાથમિક શાળા, રાજપુરામાં ફરજ બજાવતા હતા.

આ મામલો 2017માં બહાર આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુ ગર્ગ 1996થી અને તેની પત્ની મંજુ ગર્ગ 1999થી આ શાળામાં ફરજ નીભાવી રહ્યા હતા. બંનેએ શાળામાં જાતે ભણાવવાને બદલે વિદ્યાર્થીઓને ભણાવવા માટે ડમી શિક્ષકો રાખ્યા હતા. 2017માં પણ દરોડા પાડીને આ શિક્ષકોનું આ કૃત્ય ઝડપાયું હતું, પરંતુ જ્યારે ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવ્યું ત્યારે મામલો થાળે પડ્યો હતો. પરંતુ રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ શિક્ષણ વિભાગે બંને ડમી શિક્ષકો પર ફરી એક વાર કાર્યવાહી કરી હતી.

બંને શિક્ષકોની જગ્યાએ ભણાવનારની ધરપકડ
કેસ ફાઇકલ થયા બાદ સદર પોલીસ સ્ટેશન અને શિક્ષણ વિભાગે સંયુક્ત દરોડા પાડીને આ બે શિક્ષકોની જગ્યાએ અહીં ભણતા ત્રણ શિક્ષકોની ધરપકડ કરી હતી. આ પછી શિક્ષક દંપતી તેમની ધરપકડના ડરથી ભાગી ગયું હતું. જેઓ હજી સુધી પોલીસના ડરથી ફરાર છે.

મંત્રીએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી
આ મામલામાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું હતું કે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જે રાજસ્થાનમાં અન્ય શિક્ષકો માટે ઉદાહરણ સ્વારૂપ બનશે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે આ દંપતી દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણ વિભાગ પાસેથી એકત્ર કરાયેલા નાણાં અંગે માહિતી માંગી હતી, જેમાં શિક્ષણ વિભાગે કુલ રૂ. 9 કરોડ 31 લાખ 50 હજાર 373 રૂપિયાની રકમ ચૂકવવાનું જણાવ્યું હતું. આ દંપતીને અપાયેલા નાણામાંથી 4 કરોડ 92 લાખ 69 હજાર 146 રૂપિયા વિષ્ણુ ગર્ગને અને 4 કરોડ 38 લાખ 81 હજાર 227 રૂપિયા મંજુ ગર્ગને આપવામાં આવ્યા હતા.

Most Popular

To Top