National

આઝમગઢમાં અખિલેશ યાદવની જાહેર સભામાં નાસભાગ, કાર્યકર્તાઓએ એકબીજા પર ખુરશી ફેંકી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) સપા પ્રમુખ અખિલેશ યાદવની (Akhilesh Yadav) રેલીઓમાં મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. આ કારણે તેમની રેલીઓમાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન પહેલા ફુલપુર, પછી સંતકબીરનગર અને હવે આઝમગઢમાં (Azamgarh) અખિલેશની રેલીમાં ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી, જેના કારણે રેલીમાં નાસભાગ મચી ગઈ હતી.

આઝમગઢના લાલગંજ લોકસભા ક્ષેત્રના સરયમીરમાં ખરેવા વળાંક પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની જાહેરસભામાં ભારે હોબાળો થયો હતો. તેમજ અખિલેશની આ રેલી દરમિયાન ફરી એકવાર નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જ્યારે તેઓ સ્ટેજ તરફ ગયા તો સપાના કાર્યકરોને પાછળ ધકેલી દેવામાં આવ્યા અને કાર્યકરો એકબીજા પર ચઢીને ભાગતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જે સ્ટેન્ડ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા તે પણ પડી ગયા હતા.

જ્યારે બેકાબુ કાર્યકરોએ સભામાં ખલેલ પહોંચાડવાનું શરૂ કર્યું ત્યારે પોલીસે ચાર્જ સંભાળવો પડ્યો હતો. રેલીમાં પાર્ટીના કાર્યકર્તાઓએ ખુરશીઓ હવામાં ઉછાળવાનું શરૂ કર્યું હતું. તેમજ એકબીજા પર ખુરશીઓ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન અખિલેશ યાદવ સ્ટેજ પર બેસેલા હતા. તેમજ સભાના સંચાલક લોકોને અપીલ કરતા જોવા મળ્યા હતા, પરંતુ તેની કોઈ અસર થઈ ન હતી. સ્ટેજની આગળ પહોંચવાની હરીફાઈને કારણે ચારેય બાજુના કાર્યકર્તાઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા.

રાહુલ-અખિલેશની ફુલપુર જાહેરસભામાં પણ નાસભાગ મચી ગઈ હતી
આ પહેલા પ્રયાગરાજના ફૂલપુરમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત જાહેર સભા દરમિયાન આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં પણ સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી અને સુરક્ષાના કારણોસર બંને નેતાઓને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન બંને નેતાઓએ રેલી સ્થળ પર જ એકબીજા સાથેની વાતચીતનો વીડિયો જાહેર કર્યો હતો.

સંત કબીર નગર રેલીમાં પણ અરાજકતા જોવા મળી હતી
આ સિવાય અખિલેશ યાદવના સંત કબીર નગરમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સપા કાર્યકર્તાઓ બેરિકેડ તોડીને સ્ટેજ તરફ આગળ વધી રહ્યા હતા, જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. સંત કબીર નગર રેલીનો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થકો સુરક્ષા કોર્ડન તોડીને સપા ચીફની કાર સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અખિલેશ સાથે સેલ્ફી માટે પોઝ પણ આપ્યો હતો.

Most Popular

To Top